અબદુલે પોતાનું કામ શરૂ કર્યું. એટલામાં ડૉક્ટર અને નર્સ આવ્યાં. ફૉન્સેકા જરા સ્વસ્થ થયો હતો. તેણે ડૉક્ટરને આવકાર આપી અબદુલની વાત કરી. ડૉક્ટરે અબદુલની વાત સાંભળેલી, તેથી તેણે તેને જ કામ કરવા દીધું. ડૉક્ટર અને નર્સ જોતાં દૂર ઊભાં રહ્યાં.
ફૉન્સેકા બહાર ઊભો હતો. કોઈ કોઈ વાર જેનીના વેદનાના અવાજો, અબ્દુલના સાંત્વનના શબ્દો અને સૂચનાઓ “ફિકર નહિ હોં બહેન, જરા જોરથી દમ લે...”, વચમાં વચમાં નર્સે ઉચ્ચારેલા પ્રશંસાના ઉદ્ગારો, શ્વાસ અદ્ધર રાખીને તે દૂરથી સાંભળતો હતો. થોડા વખત પછી અબદુલે આશ્વાસનનું ‘બસ’ કહ્યું અને તે પછી થોડી વારે નવા બાળકનો રડવાનો અવાજ, જાણે જગતમાં પોતાને માટે માર્ગ કરતો હોય, જાણે એક નવા જીવની ગણના કરવા ફરજ પાડતો હોય એવો આવ્યો. અને અબદુલે અર્ધ હાસ્યથી કહ્યું: “પોર્યા, જન્મતાં આટલું પરાક્રમ કર્યું તો મોટો થઈને શું એ કરીશ ?” તેણે અવાજ ઉપરથી છોકરો છે એમ પારખ્યું હતું.
ડૉક્ટર બહાર નીકળ્યો. ફૉન્સેકા આગળ તેણે અબદુલનાં ઘણાં જ વખાણ કર્યાં અને નર્સને સામાન્ય સૂચના આપી તે ગયો. થોડી વારે અબદુલ પણ બહાર નીકળ્યો, અને પાટો છોડાવી ચાલ્યો ગયો. ફૉન્સેકા આ બનાવથી દિંગ થઈ તેના સામું જ જોઈ રહ્યો.
અબદુલ ત્રણ દિવસ ખબર પૂછવા આવ્યો. જેનીની તબિયત સારી હતી. ત્રીજે દિવસે તેણે અબદુલ સાથે છૂટથી વાતચીત કરી. અબદુલ ચાલ્યો ગયો. તે પછી બેએક કલાકે જેનીએ નર્સ મારફત ફૉન્સેકાને બોલાવ્યો. ફૉન્સેકા આટલા બનાવોથી ગરીબ થઈ ગયો હતો. તે જેનીનું વચન ઉપાડી લેવા આતુર, દૂર દીન વદને ઊભો રહ્યો.