કરે છે. આ કાલ્પી સ્ત્રીએ પોતાના અનુભવ એવા રૂપમાં
કહ્યો. તેનામાં આવેલી માતાએ ધૂણીને કહ્યું: “જોઈ શું રહ્યા
છો ! આને રાજાએ અભડાવી છે. તમારી દેવીને રાજાએ
અભડાવી છે.” એટલું કહી એ બાઈ મરણ પામી. તેને
ઉપાડીને લઈ આવેલા કાલ્પીએ સાક્ષી પૂરી કે તેણે રાજાને
એટલામાં જતો જોયો હતો. કાલ્પીના મુખીએ એ જ
વખતે એક ભયંકર કીકિયારી કરી ભાલાની અણીથી અંગૂઠામાંથી લોહી કાઢી તેનું એક ટીપું રાખ ઉપર પાડ્યું, અને
બીજા ટીપાથી ભાલાને તિલક કરી તે લાલ ધજાવાળો ભાલો
શબના ઓશીકા તરફ એક જ ઘાએ ખોડી દીધો. દીકરીના
બાપે ઝૂંપડામાંથી ઢોલ લાવી યુદ્ધની ચાલે તેને વગાડવા
માંડ્યો. જાણે એ ઢોલના જ પડઘા દિશાઓમાં પડતા હોય
તેમ બધી દિશાઓમાં જ્યાં જ્યાં કાલ્પીઓએ તે સાંભળ્યો
ત્યાં ત્યાં તેવી જ રીતે વગાડ્યો અને ફરતા બસો ગાઉમાં
જ્યાં જ્યાં કાલ્પીઓ હતા ત્યાં ત્યાં સૌએ એ જ પ્રમાણે
વગાડ્યો. અને પછી જાણે દિશામાંથી ઉત્પન્ન થતા હોય તેમ
કાળા ચળકતા શરીરવાળા, હાથમાં ભાલા કામઠું અને ખભે
ભાથાવાળા પુરુષો, અને પાણીની માટલી અને વધારાના
ભાથાવાળી કાલ્પી સ્ત્રીઓનાં ટોળાં ત્યાં નાચતાં કૂદતાં ધૂણતાં
ઢોલ વગાડતાં ભેગાં થવા માંડ્યાં. દરેક ટોળાનો મુખ્ય માણસ
આવીને ભાલાની અણીથી એક લાહીનું ટીપું પેલા શબ પર
પાડતો અને બીજા ટીપાથી ખોડેલા ભાલાને તિલક કરતો.
ત્રણ દિવસ અને ત્રણ રાત આ પ્રમાણે જાણે કુદરતનો કોપ
થયો હોય તેમ ઢોલા વાગ્યા કર્યા અને કાલ્પીઓનાં ટોળાં આ
જગાએ ભેગાં થયા કર્યાં.
રાજાને બાતમી મળી કે કાલ્પીઓ કામઠાં સાથે ભેગા થાય છે પણ શા માટે થાય છે તે તે સમજી શક્યો નહિ.