“બાભ્રવ્યનો.”
“કાંઇ અજબ શક્તિવાળો છે. દક્ષિણમાં ઘોર દુષ્કાળ પડવાથી કાલ્પીના મુખીઓએ દંડકામાં પોતાનાં ઢોર સાથે આવવાને મારી રજા માગી. હું શા સારુ ના પાડું ? એ લોકોમાં સ્ત્રીઓ પણ પુરુષના જેવાં બધાં કામ કરે છે. ગઈ કાલે મેં એક કાલ્પીને આંબલી ઉપર એકલી દીઠી. કેવળ સોળ સત્તર વરસની મુગ્ધા હશે. મેં તેના સામું જોયું. એ તો તરત પાકેલા ફળની પેઠે નીચે જ પડી. જાણે તેના પર કોઈ ખરે જ બલાત્કાર કરતું હોય તેમ તરફડિયાં મારવા માંડી, અને બેભાન થઈ ગઈ. હું ચાલી આવ્યો. એ લોકો બિચારા સારા ! રાજાની ફરજ કે ધર્મ કે પ્રાયશ્ચિત્ત કે એવી કશી વાતો જ નહિ કરવાના !”
“ત્યારે મહારાજ, હવે હું રજા લઉં ? હવે મારું કામ છે ?”
“ના.”
“મહારાજનો જય હો !”
“ભગવાન બાભ્રવ્યનો જય હો ! ”
*
પણ એ કાલ્પી મુગ્ધાનો વૃત્તાન્ત એટલેથી અટક્યો નહિ. કોઈ કાલ્પીએ તેને પડેલી જોઈ અને બીજાને બોલાવી તેને ઝૂંપડે લઈ ગયા. ત્રણ દિવસ સુધી તેનાં સગાં અને તેમના ટોળાના મુખીએ દેવીની આરાધનાનાં ગીતો ગાતા, પાવા વગાડતા અને ડાકલાં વગાડતા તેની આસપાસ બેસી રહ્યા. ત્રીજે દિવસે એ બાઈ ધૂણી. ઘણીવાર જેમ સ્વપ્નામાં આપણે આપણા અનુભવની નવી સૃષ્ટિ રચી, તે સૃષ્ટિ આપણે રચી છે તે ભૂલી જઈ, તેને જ ઓળખીએ છીએ, તેને જ સાચી માનીએ છીએ, તેમ અસંસ્કૃત જાતિઓ ઘણી વાર વ્યવહારમાં