કોઈ સ્પર્શ કરતું હોય તેમ અસ્વસ્થ થાય છે. બે જ દિવસ ઉપર એક ભૃગુ નામના બ્રાહ્મણને પોતાની કન્યા ધામધૂમથી પરણાવવાની ઈચ્છા થતાં તેણે મને કહેવરાવ્યું. મેં તેને રથમાં બોલાવી મગાવી. પણ કન્યાદાન સમયે મેં તેની સામું જોયું એટલે તે મૂર્ચ્છા પામી ગઈ. પરણી ત્યારથી રડ્યાં કરે છે. ભૃગુ મારી પાસે આવીને ખુલાસો માગે છે. હું કહું છું તેમાં મારો શો દોષ ? મારો દોષ હોય તો સાબીત કરી બતાવો. હું પ્રાયશ્ચિત્ત કરવા તૈયાર છું. એ તે શું સાબીત કરવાનો હતો ! એ કહે છે: જે કાંઈ બને તેને માટે રાજા જવાબદાર છે. મને શાપ આપવાની વાતો કરે છે. આ બ્રાહ્મણો મૂર્ખ છે. તેના કરતાં જંગલી લોકો સારા. તેમને આવી કશી જ ખટપટ નહિ. મેં તમને કાલ્પીઓની વાત કહી ?”
“ના મહારાજ ! મેં એ નામ પણ નથી સાંભળ્યું.”
“એ જાતિ આર્યાવર્તમાં અજ્ઞાત છે. તે એક દૂર દક્ષિણની કિરાતજાતિ છે. અતિ ભયંકર છે. તેમની સ્ત્રીઓ ઘણી રૂપાળી હોય છે. કોઈ કોઈ જાતિમાં પુરુષ કરતાં સ્ત્રી વધારે રૂપાળી હોય છે એ શું હશે ?”
“એવું ઘણી જાતિમાં હોય છે. આહીર શક બાહ્લિક વગેરે ઘણી જાતિએમાં મેં એમ જોયું છે.”
“મારા અવરોધમાં દરેક જાતિની સ્ત્રી છે પણ કાલ્પીની નથી. મેં એવી સ્ત્રી મેળવવા ઘણો પ્રયત્ન કર્યો પણ ફાવ્યો નહિ. એ લોકો પોતાની સ્ત્રીઓનું શિયળ બહુ જ સખ્તાઇથી સાચવે છે. એમની સ્ત્રીઓ પણ એવી જ બહાદુર હોય છે. પણ મિત્ર, તારા સિદ્ધાંજનથી મને સર્વત્ર ગતિ પ્રાપ્ત થઈ છે. એ કાલ્પીના વૃત્તાંતમાં મેં તારા અંજનનો ખરો પ્રભાવ જોયો. આ કોનો પ્રયોગ છે?”