પ્રવેશ ૫ મો
[ સુશીલા સૂતી છે. ઊંઘે છે. પાસે ચારુ૦ ખુરશી નાંખીને ચૂપ બેઠી છે. હાથમાં પેપર લઈ વાંચે છે અને વારેવારે સુશીલા તરફ જોતી જાય છે. સુશીલા એકદમ ચીસ પાડી ઊઠે છે. તેની આંખો ભયભીત જેવી દેખાય છે. ચારુº તેની પાસે જાય છે, તેને બાથમાં લે છે. ]
ચારુ૦: પણ છે શું ? શું છે સુશી ! ( સુશીલા રડે છે, ડુસકાં ભરે છે. ) કેમ કંઈ સ્વપ્ન આવ્યું ? ( સુશીલા ચારુ૦ સામે જુએ છે. ધીમે ધીમે ડુસકાં દબાવે છે. તેના ખભા પર પડી રહે છે. ) કેમ કંઈ સ્વપ્ન આવ્યું ?
સુશીલા : હા, બહુ ભયંકર સ્વપ્ન !
ચારુ૦ : પણ શું હતું ?
સુશીલા : સુધી ક્યાં છે? તેને કેમ છે?
ચારુ૦ : એ તો મજામાં છે. લેબોરેટરીમાં ગયો છે.
સુશીલા: તેને એકદમ બોલાવ. મને બહુ ભયંકર સ્વપ્ન આવ્યું.
[ચારુ૦ જઈને ફોન કરે છે. સુશીલા ધીમેથી ખાટલા પરથી ઊઠી ટેબલ પાસે ખુરશી ઉપર બેસે છે. ચારુ૦ પાછી આવીને ખુરશી પર બેસીને ]
ચારુ૦ : એવું શું હતું ?
સુશીલા : અરે રે ! હું તે શું કહું ?
ચારુ૦ : જો, સુધી લેબોરેટરીમાંથી નીકળી ગયો છે. આવતાં થોડીવાર થશે ત્યાં સુધીમાં જરા પાણી પી, શાંત થા, પછી કહેજે.
સુશીલા : ના, ના; વાત તો મારે તમને જ કહેવી છે. પછી તમે એને કહેજો. ફઈને કહેશો, ચા મૂકે ? ( ચારુ૦ જાય છે. સુશીલા ઊઠે છે. મોં ધુવે છે. જરા વાળ સરખા કરે છે.)