લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
દ્વિરેફની વાતો

જાણે સર્વને માઠું લાગ્યું હોય, સર્વ અપ્રસન્ન હોય, કોઈને ખબર ન હોય એવા કોઈ બનાવથી જાણે બધાં દુઃખી હોય તેમ આ ઘરનો વ્યવહાર ચાલવા માંડ્યો.

વીનુ બી.એ. થયો, નોકરીને માટે તે કંઈક વિચાર કરે એટલામાં ગાંધીજીએ મીઠાની કૂચ કરી અને આખો દેશ ખળભળી ઊઠ્યો. વીનુએ આ જંગમાં તરત ઝુકાવ્યું. કુટુંબનો ભાર આટલે વરસે ઉતારી દિકરાની કમાણીનો ટેકો લેવાનો વખત આવ્યો ત્યારે જ વીનુએ ઘરનો ત્યાગ કર્યો તેથી માતાને ઘણું માઠું લાગ્યું, પણ તે અજ્ઞાત રીતે જાણી ગઈ હતી કે વીનુને સમજાવી શકાશે નહિ.

જેલની પ્રથમ મુલાકાતે, એ અમાનુષ વાતાવરણમાં વીનુની માતાનું વાત્સલ્ય ફરી એક વાર પ્રગટી ઊઠ્યું, અને વીનુ પણ તેમાં અધીન થઈ નાહ્યો. બે વરસ ઉપર તેણે જેમ વિચાર્યા વિના મીંઢળ બંધાવવાની હા પાડી હતી, તેમ તેણે ફરીવાર દિવાળીને મુલાકાતે આવવાની રજા આપી.

વીનુની વહુ તરફની ઉદાસીનતાથી માતાને વહુ તરફ અત્યંત વહાલ રહેતું હતું. જેલમાંથી મળવા જવાની વીનુએ આપેલ રજાથી કંઈક ઉત્સાહમાં બન્ને પાછાં ઘરનું કામ કરવા લાગ્યાં.

એક દિવસ બપોરના વીનુના ગામમાં એક અપૂર્વ બનાવ બન્યો. વીનુના ઘર આગળ થોડે દૂર ‘ઇનકિલાબ ઝિન્દાબાદ’ની બૂમો ઘણા જ ઝનુનથી બોલાતી સંભળાવા લાગી. દિવાળીને પતિ કેદમાં ગયા પછી, આ હીલચાલ અને તેમાં ભાગ લેતી વ્યક્તિઓ તરફ, સ્વાભાવિક કૌતુક થયું હતું. શેરી ઉપર પડતી અગાસીએ તે જોવા ગઈ. એક યુવાનોનું ટોળું આ બૂમો પાડતું પાડતું ઘર તરફ આવતું તેણે જોયું. ટોળામાં સૌથી આગળ એક યુવાન મોટા વાંસડા ઉપર ત્રિરંગી વાવટો લઈ ચાલતો હતો. હવે બૂમો બંધ કરી બધા યુવાનોએ ગાયું: