તો. આટલું માની જા. જો મારા દિકરા મીંઢળ બાંધવા દે.” વીનુ નાનો હતો અને તેને બહાર રમવા જવાનું ઘણું જ મન હોય, પણ ‘જા મારા દિકરા, જરા તપેલું લઈ આવ તો’ એમ તેની મા કહે, અને રમવાની વૃત્તિ જરા રોકી તે તપેલું લઈ આવતો, તેમ જ, તે જ અધીનતાથી તેણે મીંઢળ બંધાવ્યું અને ત્રણ દિવસમાં તો લગ્ન થઈ ગયાં !
માણસ ઘણીવાર લાંબા ચાલતા બનાવનું માત્ર મુખ દેખી શકે છે, આખો બનાવ દેખી શકતો નથી. માણસ સ્થલમાં જેટલું લાંબું જોઈ શકે છે તેટલું પણ કાલમાં જોઈ શકતો નથી. પરણી રહ્યા પછી જ વીનુને સમજાયું કે લગ્ન, બે ત્રણ દિવસ, મા કે બ્રાહ્મણ કહે તેટલું કરી લઈ છૂટી જવાનો બનાવ નથી, પણ જિંદગીભર ચાલતો બનાવ છે. અને એ તેને સમજાતું ગયું તેમ તેમ તેની મૂંઝવણ વધતી ગઈ. આ મૂંઝવણથી તેને પત્નીનું દર્શન પણ અકારું થઈ ગયું, દિવાળી નામ પણ તેને જૂનવાણી લાગ્યું, પોતે કરેલા કાર્યના પરિણામે, તેને પત્ની તરફ કાંઈ કર્તવ્ય કે ફરજ છે એમ તેનું મન જ ન માની શક્યું. અને આ સઘળી કફોડી સ્થિતિના કારણરૂપ તેની મા તરફ તેને ધીમે ધીમે કંટાળો આવતો ગયો. તે પોતે સમજી શક્યો કે તેનો મા તરફનો પ્રેમ ઘટતો જતો હતો, તે ઘણી વાર કેવળ કર્તવ્યબુદ્ધિથી માની સાથે વર્તતો હતો. આથી તેને દુ:ખ થતું હતું પણ મા તરફનો જૂનો પ્રેમ પાછો આવતો નહોતો. બન્ને વચ્ચે જાણે કાઈ અદૃશ્ય પડદો આવી ધીમે ધીમે વધારે ને વધારે અપારદર્શક થતો જતો તેને લાગતો હતો. જેમ નજીક નજીકનાં બે ઘરો વચ્ચે ધીમે ધીમે વાંધુ પડે, તે ઊંડું ને ઊડું ઊતરતું જાય, અને બન્ને ઘર એક બીજાને દુરાસાદ્ય અને છેવટ અનાસાદ્ય થઈ જાય, તેમ બન્ને વચ્ચે અંતર વધતું જતું હતું. કોઈનો પણ દોષ ન હોય છતાં