લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
દ્વિરેફની વાતો

પણ શું કરવું તેનો રસ્તો નહિ જડવાથી તેણે પણ ફરી એ વાત ઉચ્ચારી નહિ.

માણસ અણગમતી વસ્તુનો નિકાલ લાવતાં જાણે ડરે છે અને તેથી નિકાલની મુદ્દત પાડ્યા કરે છે. પણ સમજતો નથી કે વખત તેના ગેરલાભમાં વહે છે. એક વરસ પછી રજાઓમાં કન્યાના પિતાએ લગ્ન લીધાં ત્યારે તેણે જોયું કે પરિસ્થિતિ એટલે સુધી પહોંચી છે કે તેની સામે તે એક પણ પગલાનો વિચાર કરી શકે નહિ. છેવટે મૂંઝાઈને તેણે માતાને કહ્યું : “મારે નથી પરણાવું.”

“પણ બેટા, હવે તો દસ જ વરધો બાકી રહી છે. કંકોતરીઓ લખાઈ ગઈ છે. વડીપાપડ થઈ ગયા છે. હવે ના ન પડાય."

વીનુ માની સામે માત્ર ફરી એ જ નકાર બોલવા ઉપરાંત કાંઈ કહી શક્યો નહિ.

માતાએ સાચી સરલતાથી તેને ફેરવી ફેરવીને પૂછ્યું: “ત્યારે તારે કોને પરણવું છે ? શું નથી જ પરણવું? આ વિવાહમાં શું ખોટું છે ?” પણ તેને આ પ્રશ્નો નીચે રહેલ માનસ અને પોતાની વિચાર કરવાની પદ્ધતિમાં એવડો મોટો ફરક લાગ્યો કે તે કશાનો જ ઉત્તર આપી શક્યો નહિ, ખરી રીતે આ બધા સવાલોના ઉત્તરો તેની પાસે હતા પણ નહિ. તેને તો માત્ર પોતાની પસંદ કરેલી સ્ત્રીને પરણવું હતું અને એ ઉત્તર તે આપી શકે તેમ નહોતો, આપે તો પણ તેની મા તે સમજી શકે તેમ નહોતી એ તે જાણતો હતો.

છેક પરણવાના દિવસ સુધી તેણે ના પાડ્યા કરી અને બીજી બાજુ પરણવાને માટે જ જાણે આખી સૃષ્ટિ કામ કરી રહી હોય એમ તેને લાગતું હતું. છેવટને દિવસે માતાએ વાત્સલ્યથી દિકરાને હાથ ફેરવીને કહ્યું: “મારા સમ જો બોલે