વળ્યા. તેને પોતાને જાહેર જિંદગીમાં ઝુકાવવાનો શોખ થતો જતો હતો, તે સાથે તેને પોતાની ચર્યામાં સહકાર આપે, તેના અર્ધાંગને દીપાવે, અને રસથી તેનો થાક ઉતારે, તેની મહેચ્છા પાર પાડવામાં ઉત્સાહ આપે, એવી એક પત્નીની પણ ઝાંખી કલ્પના થતી જતી હતી. જુવાનની કલ્પના અનુભવહીન, પોકળ હોય છે. વિનાયકને પોતાની આદર્શભૂત સ્ત્રી જેમ સ્થૂલ શરીરે કેવી હોય તેનો ખ્યાલ નહોતો, તેમ કયા વિશેષ ગુણોથી પત્ની તેને એવો સહચાર આપી શકશે તેનો પણ ખ્યાલ નહોતો, માત્ર તે પોતાની પત્ની પોતાની મેળે પસંદ કરવાનું ઇચ્છતો હતો — જો કે પત્ની કેમ પસંદ કરવી તે પણ જાણતો નહોતો.
વીનુની માતા જેમ વીનુને ભણવાની સગવડ કરી આપતી, તેનાં કપડાંની, ખાવાની સગવડ કરી આપતી, તેમ જ વીનુ જુવાન થતો લાગ્યો કે તરત જ તેણે વીનુને માટે કન્યાની શોધ કરવા માંડી. આવી બાબતમાં દિકરાને પૂછવાની કે તેની ઇચ્છા જાણવાની જરૂર હોય એવો તેને તર્ક પણ ન આવ્યો. નાતની એક સારા કુટુંબની થોડું ગુજરાતી ભણેલી છોકરીની સાથે તેણે સગાઈ કરી દીધી, વીનુ કૉલેજમાં હતો ને જ સગાઈ વજવી દીધી અને વીનુ ઘેર આવ્યો ત્યારે તેને કંસાર જમાડતાં આ વાત કરી.
વિશ્વાસથી ચાલતાં કાંટો ભોંકાય ને માણસ ચમકે તેમ વીનુએ ચમકી કહ્યું: “પણ મને પૂછવું તો હતું.”
ચતુર માતા કારણ સમજી નહિ પણ એટલું તો સમજી કે વીનુને અત્યંત દુ:ખ થયું છે. તેણે વહુનાં થોડાં વખાણ કરી જોયાં, તેને એણે જોઈ છે એમ યાદ આપ્યું, પણ કશાથી વીનુને કળ વળતી નથી એમ જાણી, તે વખતે વાતને ખાઈ ગઈ. રજાઓમાં ફરી એ વાત કાઢી નહિ. વીનુ ઘણું મૂંઝાયો