પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રેમાએ તમામ તપાસ કરી લીધી. તે બહુજ ખૂશી થઈ ગયો, અને ઘેર જઈ બધું આટોપી એકદમ પાછું આવવા ધાર્યું. બીજે વરસે બધું સંકેલી પેલા નવા દેશમાં જવા નીકળ્યો.


પ્રકરણ ચોથું.

પ્રેમા પટેલ નવી જમીન પર પહોંચ્યા, એટલે પહેલાં તો તેણે બધા પટેલોને જમાડ્યા. ત્રીસ એકર ઉપરાંત દોઢસોક એકર બીજી જમીન તેણે ખરીદી. ઘર બાંધ્યું. રહેવા લાગ્યા. નવાં ઢોર પણ લીધાં જમીન બહુ રસાળ હોવાથી થોડો વખતમાં તો તે પૈસાવાળો થઈ ગયો, અને સુખચ્હેનમાં રહેવા લાગ્યો. તે જ્યારે રહેવા આવ્યો ત્યારે તેણે ધાર્યું હતું કે અહિં વસ્તી બહુ થોડી છે તેથી આપણને ઠીક પડશે. પણ પ્રેમા પટેલને નશીબે થોડા વખત પછી ત્યાં પણ માણસો આવવા લાગ્યાં.

પહેલે વરસે તેણે ઘઉં વાવ્યા અને ઘણોજ સારો પાક મળ્યો આથી તે લોભમાં પડ્યો. વધારે જમીન હોય તો વધારે પૈસા મળે એમ વિચારી તેણે વધુ જમીન લેવા ધાર્યું. પણ જમીન મળે નહિ કેમકે બધી વેચાઈ ગઈ હતી.

જે માણસો પોતાની જમીન ખેડી શકે એવા નહોતા તે ભાડે આપતા. આવી કોઇ જમીન ભાડે લેવા પ્રેમાને વિચાર થયો તેથી તે વેપારી પાસે ગયો, અને થોડી જમીન એક વરસ માટે લઈ આવ્યો. થોડા દિવસ પછી તે વધારે જમીન પાતાને નામે કેમ લેવાય તેના વિચારમાં પડ્યો.