પૃષ્ઠ:Ek-Taro.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
:એકતારો:
[૨૯]
 


પાંખોની જોડ એના હૈયામાં સંઘરી
સરજી તાપી તણી કુમારી,
ઊંડું ઊડું હીંડતી હલકે વિદ્યાધરી;
દીઠી ગુજરાતની દુલારી–દીઠી૦ ૨.

સુખિયાં શહેરી જનોનાં સરજાતાં ખોરડાં
શીતળ નાજુક ને સુંવાળાં;
દેશી પરદેશી ચાર પાંચ લાખ પ્રોણલાં
આવે તુજ આંગણે રૂપાળાં.

કડિયાની હાક પડે, હડીઓ ત્યાં કાઢતી
દીઠી મેં દૂબળાની નારી;
ધગધગતી માટીની સૂંડલીઓ સારતી
દીઠી ગુજરાતની દુલારી–દીઠી૦ ૩.

પ્હોરને બપોર એની બળબળતી દેહના
કરતી એ રોજ રોજ છુંદા;
ભાગ્યવંત બેનીઓનાં ભીંતડાંને કારણે
ખેંચે એ ધૂળ તણા લુંદાઃ

લાજી લાજીને મારી આાંખો મીંચાણી
દીઠી મેં દૂબળાની નારી;
કોણે કીધી ગુલામ–નારી રે
તને ગરવી ગુજરાતની દુલારી !–દીઠી૦ ૪.