પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
મિસ ફ્લૉરેન્સ નાઈટીંગેલનું જીવનચરિત.

પૈસા લેતાં, અને દરેક સિપાઈ કહે તે પ્રમાણે તે ઈંગ્લંડ મોકલી દેતાં. આા પ્રમાણે દર મહિને લગભગ ૧૫૦૦૦ રૂપીઆ ઈંગ્લંડ મોકલાતા હતા. અને તે પોસ્ટ ઓફીસ મારફતે જેના જેના હોય તેને આપી દેવામાં આવતા. આવી રીતે ઉદ્ધત, દારૂડીઆ સિપાઈઓ પૈસા વ્યર્થ ગુમાવવાને બદલે પોતાનાં સ્નેહીના ભરણપોષણ માટે બચાવી શકતા.

તેમણે આ રીત કહાડી ત્યાર પછી સરકાર તરફથી કોન્સ્ટેટીનોપલ, સ્ક્યુટેરાઈ, બેલેક્લેવા અને ક્રાઈમીઆ સર્વ જગાએ મનીઓર્ડર ઓફીસો (ટપાલ મારફતે પૈસા મોકલવાની ઓફીસ) સ્થાપી અને છ મહિનાની અંદર ૧૧૦,૦૦૦૦ રૂપીઆ ઈંગ્લંડ ખાતે સોલ્જરો તરફથી રવાના કરવામાં આવ્યા. આ સર્વ મિસ નાઇટીંગેલના સદ્દગુણી સ્વભાવનું જ પરિણામ હતું. તેમના આવ્યા પહેલાં સિપાઈઓ પૈસા બચાવવા તે શું તે જાણતા જ નહોતા. જે કાંઈ બચતું તે દારૂ વ્યસનમાં ઉડાવી દેતા અને પૈસા મોકલવા માટે સરકાર તરફથી કાંઈ સગવડ પણ કરી આપેલી નહોતી.

ઈ. સ. ૧૮૫૬ ના માર્ચ મહિનામાં પૅરિસ આગળ સલાહના કરાર થયા અને જુલાઈ મહિનામાં ક્રાઈમીઆ ખાલસા થયું. જ્યાં સુધી બધાં દવાખાનાં બંધ થયાં અને તમામ ઈંગ્રેજી લશ્કરને ઈંગ્લાંડ મોકલી દેવામાં આવ્યું ત્યાં સુધી ફ્લૉરેન્સ નાઇટીંગેલ પોતાની જગાએથી ખસ્યાં નહિં. ક્રાઈમીઆ છોડતાં પહેલાં મિસ નાઇટીંગેલે જેટલાં માણસો ત્યાં મૃત્યુ પામ્યાં હતાં તે લોકોના સ્મણાર્થે પોતાના ખાનગી ખર્ચે એક સ્તંભ ઉભો કરવાની આજ્ઞા કરી. તે સ્તભ બૅલેકલેવાના સેનેટેરીઅમ પાસેની એક ટેકરી ઉપર મુકવામાં આવ્યો અને ક્રાઈમીઆના બહાદુર યોદ્ધાઓ અને પરોપકારી નર્સો જેમણે દૂર દેશમાં પોતાના આત્મા પારકાના સુખ માટે માત્ર ઈશ્વર પ્રીત્યર્થે આપ્યા હતા, તેમના નામ ઉપર તે અર્પણ કરવામાં આવ્યો હતો. તેની ઉપર નીચે પ્રમાણે લેખ કોતરાવ્યો હતો.