પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

જે જે મદદ કરી હતી તે પણ સુચવ્યું હતું. તે ઉપરાંત કમાંડર સાહેબ લૉર્ડ રેગ્લેને જે ઉદાર અને ખરી લાગણીથી મદદ કરી હતી, તેની ખાસ સૂચના કરી હતી.

આ વખતે મિસ નાઇટીંગેલની તબીયત વાસ્તવિક રીતે ઘણી જ અશકત હતી; તો પણ એ કદી એમ ધારીને બેસી રહેતાં નહિ.

જ્યારે હિંદુસ્થાનનો મોટો બળવો થયો ત્યારે અહીંના ગવર્નર જનરલનાં પત્ની લેડી કૅનીંગને તેમણે કાગળ લખીને હિંદુસ્થાન માટે એક નર્સની ટુકડી સ્થાપવાને વિચારે અહીં આવવાનો પોતાનો ઈરાદો દર્શાવ્યો. લેડી કૅનીંગની તે પ્રસંગની નોંધ નીચે પ્રમાણે છે.

"નવેંબર ૧૪-૧૮૫૭. મિસ નાઇટીંગેલનો પત્ર મારા ઉપર આવ્યો છે. તેમની તબિયત નાદુરસ્ત છે પણ આ બળવાની વખતે મદદ કરી શકે તે હેતુથી અહીં આવવાની ઇચ્છા બતાવે છે."

પરંતુ તેમની તબિયત સારી ના હોવાથી લેડી કેનીંગે તેમને આવવાની હા લખી નહિ તેમ જ તેમને પોતાને પણ તે વખતે લાગ્યું કે હિંદુસ્થાનની હવા વગેરેની અડચણોને લીધે તરત ને તરત નર્સની સંસ્થા સ્થાપવાનું કામ બને તેવું નથી.