પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



શ્રી રામકૃષ્ણદેવનાં વચનામૃત

• મા જેની સહાયક છે, તેને માયા શું કરી શકે ?

• ઈશ્વરની વાતો સિવાય બીજી વાતો સારી નહિ.

• ભગવાનને ચાહો તો વિવેક-વૈરાગ્ય એની મેળે આવે.

• સ્ત્રીઓને લઈને સાધના કરવાનું શાસ્ત્રોમાં નથી. બહુ જ કઠિન અને પતન મોટે ભાગે થાય. તંત્રોમાં ત્રણ પ્રકારની સાધના કહી છે. વીરભાવે, દાસીભાવે અને માતૃભાવે. દાસીભાવ પણ સારો, વીરભાવની સાધના બહુ જ કઠણ. સંતાનભાવ બહુ શુદ્ધ ભાવ.

• એકલી પંડિતાઈ કે લેક્ચરથી શું વળે, જો વિવેક-વૈરાગ્ય ન આવે તો ? ઈશ્વર સત્ય : બીજું બધું અનિત્ય; ઈશ્વર જ વસ્તુ. બીજું બધું અવસ્તુ: એનું નામ વિવેક.

• જો હ્રદયમંદિરમાં માધવની પ્રતિષ્ઠા કરવાની ઈચ્છા હોય તો માત્ર ભોં ભોં કરીને શંખ ફૂંક્યે શું વળે? પહેલાં ચિત્તશુદ્ધિ. ચિત્તશુદ્ધિ થયે ભગવાન પવિત્ર આસને આવીને બિરાજે. કાનકરડિયાની હગાર પડી હોય તો માધવને લાવી શકાય નહીં. અગિયાર કાનકરડિયાં અને અગિયાર ઈન્દ્રિયો. પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને મન. પ્રથમ માધવની પ્રતિષ્ઠા થાય. ત્યાર પછી મરજી હોય તો વ્યાખ્યાન-લેક્ચર આપો. પ્રથમ ડૂબકી મારો. ડૂબકી મારીને રત્ન કાઢો. ત્યાર પછી બીજું કામ ! કોઈ ડૂબકી મારવા માગે નહિ ! સાધન નહિ. ભજન નહિ. વિવેક-વૈરાગ્ય નહિ. બે ચાર વાત શીખ્યા કે તરત જ આપે લેક્ચર, કરે વ્યાખ્યાન ! લોકોપદેશ કરવો એ કઠણ કામ, ભગવાનનાં દર્શન થયા પછી જો કોઈ તેમનો આદેશ મેળવે તો લોકોને ઉપદેશ આપી શકે. (અવિદ્યા સ્ત્રી - આંતરિક ભક્તિ હોય તો સહુ વશમાં આવે)