પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


આદર્શ બાલમંદિર


બાળકોની કેળવણીનો વિષય સહેલામાં સહેલો હોવો જોઈએ પરંતુ તે કઠણમાં કઠણ થઈ ગયો જણાય છે, અથવા કરી મૂકવામાં આવ્યો છે. અનુભવ તો એમ શીખવે છે કે બાળકો આપણી ઈચ્છા-અનિચ્છાએ પણ કંઈક, સારી કે ખરાબ કેળવણી પામી રહ્યાં છે. આ વાક્ય ઘણા વાંચનારને વિચિત્ર લાગશે પણ બાળક કોને કહીએ, કેળવણી એટલે શું, અને બાળકેળવણી કોણ આપી શકે એ વિચારી લઈએ તો કદાચ ઉપરના વાક્યમાં કંઈ નવાઈ જવું ન લાગે. બાળક એટલે દસ વર્ષની અંદરનાં છોકરા-છોકરીઓ અથવા એવી ઉંમરનાં લાગતાં બાળકો.

કેળવણી એટલે અક્ષરજ્ઞાન નહીં. અક્ષરજ્ઞાન એ કેળવણીનું સાધન માત્ર છે. કેળવણી એટલે મન સુદ્ધાં બાળકની બધી ઈન્દ્રિયોનો સદુપયોગ કરતાં બાળક જાણે તે. એટલે કે બાળક પોતાના હાથ, પગ ઈત્યાદિ કર્મેન્દ્રિયોનો અને નાક, કાન ઈત્યાદિ જ્ઞાનેન્દ્રિયોનો ખરો ઉપયોગ જાણે. હાથ વતી ચોરવું નહીં જોઈએ, માખીઓ નહીં મારવી જોઈએ, પોતાના ભેરુને કે નાના ભાઈબહેનને ન મારવાં જોઈએ એવું જ્ઞાન