પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જે બાળક પામે છે તેની કેળવણીનો આરંભ થઈ ચૂક્યો. જે બાળક પોતાનું શરીર, પોતાના દાંત, જીભ, નાક, કાન, આંખ, માથું, નખ ઈત્યાદિ સાફ રાખવાની આવશ્યકતા સમજે છે અને રાખે છે તેણે કેળ વણીનો આરંભ કર્યો છે એમ કહી શકાય. જે બાળક ખાતાંપીતાં અડપલાં કરતું નથી, એકાંતમાં કે સમાજમાં ખાવાપીવાની ક્રિયાઓ રીતસર કરે છે, રીતસર બેસી શકે છે અને શુદ્ધઅશુદ્ધ ખોરાકનો ભેદ જાણી શુદ્ધની પસંદગી કરે છે, અકરાંતિયાપણે ખાતું નથી, જે જુએ તે માગતું નથી, ન મળે તોયે શાંત રહે છે, એ બાળકે કેળવણીમાં સારી પ્રગતિ કરી છે. જે બાળકના ઉચ્ચાર શુદ્ધ છે, જે પોતાની આસપાસ રહેલા પ્રદેશનાં ઈતિહાસ-ભૂગોળ તે શબ્દોનું નામ જાણ્યા વિના આપણને બતાવી શકે છે, જેને દેશ શું એનું ભાન થયું છે એણે પણ કેળવણીને માર્ગે ઠીક મજલ કરી છે. જે બાળક સાચજૂઠનો, સારાસારનો ભેદ જાણી શકે છે અને સારું અને સાચું પસંદ કરે છે, નઠારાનો અને જૂઠાનો ત્યાગ કરે છે એ બાળકે કેળવણીમાં બહુ સારી પ્રગતિ કરી છે.

આ વસ્તુને હવે લંબાવવાની જરૂર રહેતી નથી. બીજા રંગો વાંચનાર પોતાની મેળે પૂરી શકે છે. માત્ર એક વાત સ્પષ્ટ કરવી જોઈએ. આમાં ક્યાંયે અક્ષરજ્ઞાનની કે લિપિજ્ઞાનની