પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને નખમાં મેલ ભર્યો છે’ બેસવાનું કહેતાં પગ પસારીને બેસે છે; બોલે છે તો ફૂલખરણી ઝરે છે; ‘શું’નો ‘હું’ કહે છે અને ‘હું’ ને બદલે ‘અમે’નો ઉપયોગ કરે છે. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણનું તેમને ભાન નથી. શરીરે મેલા ડગલા પહેર્યા છે. ખીસું હોય તો તેમાં કંઈક મેલી મીઠાઈ ભરેલી છે, એ વખતોવખત કાઢીને ચાવ્યા કરે છે, તેમાંથી થોડું કંઈ જમીન ઉપર વેરે છે અને ચીકણા હાથને વધારે ચીકણા કર્યે જાય છે. આ પાંચ બાળકોને સંભાળનારી સ્ત્રીના મનમાં માતાની ભાવના પેદા થાય તો જ તે તેમને શીખવી શકશે. પહેલો પાઠ તેમને ઢંગમાં લાવવાનો જ હશે. માતા તેમને પ્રેમથી નવરાવશે, કેટલાક દહાડા સુધી તો તેમની સાથે માત્ર વિનોદ જ કરશે, અને અનેક રીતે જેમ આજ લગી માતાઓએ કર્યું છે એમ, જેમ કૌશલ્યાએ બાળરામના પ્રત્યે કર્યું તેમ, માતા બાળકોને પોતાના પ્રેમપાશમાં બાંધશે અને જેમ નચાવવા માગે તેમ નાચતાં બાળકોને શીખવી દેશે. આટલી ચીજ માતાએ ન મેળવી હોય ત્યાં સુધી વછૂટી ગયેલાં વાછરડાંની પાછળ બેબાકળી થઈને જેમ ગાય આમતેમ દોડ્યા કરે છે તેમ આ માતા પેલાં પાંચ બાળકોની પાછળ ટળવળ્યા કરશે. જ્યાં લગી એ બાળકો સહેજે સાફ થતાં નથી; તેમનાં દાંત, કાન, હાથ, પગ જોઈએ