પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



ગોવાલણી

કંચનલાલ વાસુદેવ મહેતા 'મલયાનિલ'

તે ઘણી જ જુવાન હતી. કેટલાકને ચૌદમે વર્ષે અધર પર ગુલાબ ફરકે છે, કોઈક તો સત્તર-અઢાર વર્ષે આંખમાં ચમક ચમકાવે છે. એને તો પંદરમે વર્ષે કંઠમાં કોયલ ટહુકતી હતી. નિર્દોષતાએ હવે રજા લેવા માંડી હતી. બાલભાવ હવે યૌવનને માર્ગ કરી આપતો હતો. ઊઘડતી કળી હવે તસતસતી હતી.

નહોતી કેળવાયેલી તોય ચાતુર્ય હતું. નહોતી શહેરની તોય સૌજન્ય હતું. નહોતી ઉચ્ચ વર્ણની તોય ગોરી હતી.

માથા પર પિત્તળની ચળકતી તામડી મૂકી ભાગોળેથી ગામમાં પેસે, ત્યારે જાણે લક્ષ્મી પ્રવેશી. ‘દૂધ લેવું સે દૂધ’નો ટહુકો શેરીએ શેરીએ સંભળાય અને દાતણ કરતું સૌ કોઈ એની સામું જુએ. પુરુષોને શુભ શુકન થતા. સ્ત્રીઓને ઈર્ષ્યા આવતી.

એ ગુજરાતી ગોવાલણી હતી. સવારના પહોરમાં તળાવમાં નાહવા પોતાને ગામડેથી નીકળતી. તાજાં દોહેલાં દૂધ શહેરીઓની સેવામાં રજૂ કરતી. સૌ કોઈને એનું દૂધ લેવાનું મન થાય. ‘દૂધ લેવું સે દૂધ’ સાંભળતાં શેરીની સ્ત્રી ઝટ પથારીમાંથી ઊભી થતી. એ હંમેશાં રાતો સાલ્લો-જાડો, પણ સ્વચ્છ, નવો ને નવો સાચવી પહેરતી, એને પીળી પટ્ટીની કોર હતી અને કાળો પાલવ હતો. હાથમાં દાંતનાં રૂપાની ચીપવાળાં ભારે ‘બલ્લૈયાં’ પહેરતી. પગે જાડાં કલ્લાં ઘાલતી. નાકમાં નથની અને કાનમાં નખલી. આગંળીએ રૂપાનાં વેઢ, ગળામાં ટૂંપીઓ અને કીડિયાસેર. આ એનાં આભૂષણો હતાં. માથે જરા ઘૂમટો તાણતી, તેથી એના વાળ કેવા હશે તેની કોઈને ખબર નહોતી. એ ઓળતી હશે, સેંથીમાં કંકુ પૂરતી હશે, એ કલ્પના જ એની ખૂબસૂરતીમાં ઉમેરો કરી આપતી હતી.

હું એના આવવાને વખતે જ ઓટલા પર દાતણ કરવા બેસતો. એ બિચારી શરમાય, નજર નીચી ઢાળી દે, પણ બીજી નવેલીઓની માફક એની ચાલ નહોતી બદલાતી;