પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ધ્રુજારો નહોતો છૂટતો. હાથ વાંકાચૂકા નહોતા ઊછળતા. શાંત અને ગંભીર થઈ હંમેશનો ‘દૂધ લેવું સે, દૂધ’નો રણકારો કર્યા કરતી. મારી પત્નીને હું રોજ કહું કે આ ગોવાલણી પાસેથી તું દૂધ કેમ નથી લેતી ? હંમેશાં ‘બૂન ! દૂધ લેવું સે ?’ કહી એનું મોં દુખી જાય છે અને તને તેની જરા પણ દરકાર નથી.’

કોણ જાણે શાથી, પણ જ્યારથી એને જોઈ હતી, ત્યારથી મને દિલમાં કંઈક અજબ લાગણી થઈ આવી હતી. પરાણે પણ હું મારે ઘેર એનું દૂધ લેવડાવું. એને થોડી વાર મારે આંગણે બેસાડું અને લાગ આણી મારી સામે જોવડાવું. આવી કોમલાંગના છતાં ભરવાડણ કેમ જન્મી ! એના કોમળ જણાતા બદન ઉપર આવું જાડું વસ્ત્ર કેમ રહી શકતું હશે ! ઈશ્વર પણ જોયા વગર જ જન્મ આપે છે ને ?

તે દિવસે જ મને થયું કે હું ભરવાડ જન્મ્યો હોત તો ઠીક થાત ! મને તળાવના કાંઠા પર ઊભા રહી વાંસળી વગાડતાં આવડતી હોત તો સારું થાત. ડચકારતો ડચકારતો ગામને સીમાડે ઢોરની વચ્ચે ડાંગ પર શરીર ટેકવી, માથે મોટું ફાળિયું બાંધી ગીત લલકારતો હોત તો ઘણું ગમત. એ ગામડાનું પણ કાનુડાનું જીવન હતું. ગાંડો બનાવનાર ગોવાલણી પણ રાધાની જાતવાળી !

વારંવાર એનું સૌંદર્ય જોવાથી મારા મન પર એની માઠી અસર થઈ. એની ગંભીર, પણ કાળી આંખ પર મારું દિલ લલચાયું. એની પાછળ હું શેરીમાં ભટકું ને એ પછી ક્યાં જાય છે તે જોઉં એમ હૃદય ગોઠવણ કરવા લાગ્યું.

એક દિવસ તો આઠ વાગ્યાનો ડંકો થયો તેવો જ હું ઊઠ્યો અને આડુંઅવળું જવાનું છોડી દઈ ગામને દરવાજે જઈ ઊભો રહ્યો. દૂધ વેચીને ઘેર જવા એ હમણાં જ આવશે, ત્યારે અજાણ્યો થઈ એની પાછળ પાછળ જઈશ. લાગ આવશે કે તરત જ એને પૂછીશ કે તું કોણ છે ? તારી આ આંખોમાં શું છે ? તારી ગોવાલણીની જાતમાં આવી બેભાન કરે તેવી પરીઓ છે ?

સવાલ ગોઠવતો હું દરવાજે જઈ ઊભો રહ્યો. એટલામાં બંને હાથમાં પૈસા ગણતી, ખાલી પડેલી દૂધની તામડીઓને માથે અધ્ધર રાખી સીધી ડોકે, પણ નીચી નજરે ચાલતી ચાલતી એ દરવાજાની બહાર નીકળી. હું પાછળ પાછળ જવા લાગ્યો.