પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હશે. કદાચ એની ઇચ્છા વિરુદ્ધ હશે અને કોઈને કહેશે કે, ‘‘સંદનભઈ મારું ગામ જોવા આવ્યા હતા,’’ તો ? પણ એટલામાં એણે પૂછ્યું : ‘‘તે ઈમાં શું જોવું સે ? કોંય તમારા ગામ જેવું નહીં. લ્યો ઓમ આવો, જરા મારું દૂધ તો પીઓ, બાખડી ભેંસનું સે. તમને હવાદ રહી જશે.’’

મારી ગૂંચવણનો અંત આવ્યો. આવા મારા ચલણથી એને કંઈ અણગમતું નહોતું થયું, ઊલટી એ જ ચાહીને મને બોલાવે છે, એટલે હલકો પડી જઈશ એવું કાંઈ નહોતું. જો ગુલાબ બુલબુલને બોલાવે તો બુલબુલનો શો વાંક ? જો નાગ જ મોરલી પાસે આવીને બેસે તો વાદીનો શો વાંક ? હવે જે થાય તે જોવા દે અને મારી મુરાદનો જે ઘાટ ઘડાઈ આવે તે ઘડાવા દે. ‘‘ના રે, એમ તારું દૂધ પિવાય ? ઘેર કાલે આપી જજે.’’ પીવાનું તો ઘણુંયે મન હતું, પણ એમ પહેલે બોલે પી જઉં ત્યારે તો અણધડ જ લાગું ને ?”

‘‘હવે ઘેર તો લેતાં લેશો, પણ ઓંય તો પીઓ, ત્યોં કોંય વડનો રૂપાળો સાંયડો હશે ? પશી આવાં ગોંણાં ગાતાં હશે ? અને કોંય મારે હાથે દૂધ મળશે ? ત્યાં તો મારાં બૂન જાણશે તો એક લેશે ને બે મેલશે.’’

કોઈ એને કહે કે એ અભણ છે, તો એનો અર્થ એટલો જ કે એને અક્ષરજ્ઞાન નથી. કોઈ એને કહે કે બોલતાં નથી આવતું, તો એનો અર્થ એ જ કે શહેરની ચાપચીપવાળી એની બોલી નથી. કુદરતની વચમાં એ ઊછરતી હતી. કુદરતનો સ્વાદ એ પિછાની શકતી હતી અને પોતાના ગ્રામ્ય, પણ મધુર અવાજે એનું ભાન મને કરાવી શકતી હતી. તેમાં આવા સમયે – આવા એકાંતમાં સરળ હૃદયે મનની બધીયે લાગણીઓ અસર થાય તેમ જણાવી શકતી હતી. હું તો પલકે પલકે બેડી બંધાવતો હતો.

‘‘વારુ; તારું દૂધ તો પીઉં, પણ પૈસા લે તો.’’

‘‘કોંય ગોંડા થ્યા ? ઈમ પૈસા લેવાય ! મારા હમ ના પીઓ તો.’’ કહી હું પાસે ઊભેલો તે જરા અધૂકડી થઈ મારી આગળ દૂધનું પ્યાલું ધર્યું. મેં વિચાર્યું, વધારે ખેંચપકડ રહેવા દે. ડોળ કરીશ અને માન માગીશ તેટલામાં કમળ બિડાઈ જશે. મેં એના હાથમાંથી પ્યાલું-દૂધ માપવાનું-લીધું અને દૂધ પી ગયો. અંદર સાકર નહોતી. ગરમ કરેલું નહીં,