પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો પણ મને સ્વાદિષ્ટ લાગ્યું. દૂધ કુદરતી રીતે સ્વાદિષ્ટ જ હોય છે. જેઓ તાજું દૂધ દોહેલું પીએ છે તેઓ એની મીઠાશ સારી રીતે જાણે છે, અને આ તો તેમાં વળી ખૂબસૂરત સ્ત્રીના હાથનું, એના આગ્રહનું અને તે એક બેશુદ્ધને પીવા મળેલું !

‘‘ગોવાલણી ! તું શી ન્યાત ?’’ દૂધ પીતે વાત શરૂ કરી.

‘‘લ્યો, તમે તો વટલાયા !’’

‘‘ના ના, હું એટલા વાસ્તે નથી પૂછતો; જાણવા જ માટે પૂછું છું. કહે તો ખરી, તું શી ન્યાત ?’’

‘‘ચ્યમ વળી ? અમે ઢોરાં ચારનારાં રબારી લોક.’’

‘‘તે તું પરણેલી છે કે કુંવારી ?’’ મારી ઘેલછા હવે વધ્યે જતી હતી.

જરા શરમાઈ એણે ધીમે સાદે ‘‘પયણેલી’’ કહ્યું.

‘‘કોની સાથે ?’’

‘‘બળ્યાં સંદનભાઈ, ક્યાંય નોંમ દેવાતું હશે ? અમ જેવા કોક રબારી હાથે.’’

‘‘તું પ્રેમ શું એ સમજે છે ?’’ હું તો મારું ભાન ભૂલી ગયો હતો, શું પુછાય અને શું ન પુછાય તેની સૂધ જ નહીં. એ કાંઈ સમજી નહીં કે મેં શું પૂછ્યું.

‘‘શું ?’’

‘‘તું હેત શું એ જાણે છે ? તને તારો વર ચહાય છે ?’’

‘‘સંદનભાઈ, ગોંડા તો નથી થ્યા ?’’