પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

‘‘ના, બસ; મને કહે જ. હું તારી જ પાછળ આટલે સુધી આવ્યો છું. શેરીમાં વાત કરવાની બીક લાગતી હતી. બોલ, હવે તું મારી સાથે વાતો ન કરે તો તને મારા સમ,’’ કહી હું એની સામે બેસી ગયો. વચ્ચે દૂધની તામડીઓ હતી.

એકદમ ‘‘હા…ય ! મારી હુલ્લી ભૂલી ! હાય હાય !’’ સાંભળી હું ચમક્યો. એ ઊભી થઈ, ‘‘સંદનભાઈ, આટલી મારી વટલોઈ જોતા બેહશો ? મારી કુશકીની હુલ્લી ચ્યોંક મેલી આવી સું. હમણાં ઊભે પગે આવું સું.’’

‘‘શા માટે નહીં ?’’ એ આખો દિવસ તાપમાં બેસવાનું કહી જાય તોયે હું તૈયાર હતો, તો થોડી વારમાં શું ?

‘‘હા હા, જા જઈ આવ. આ છાપરીમાં બેઠો છું.’’ રસ્તામાં બેઠેલો મને કોઈ દેખે તો કહેશે કેમ બેઠો હશે ? તામડીઓ લઈ હું છાપરીમાં બેઠો. અંદર કોઈએ ઘાસ નાખી બિછાનું કર્યું હતું. ઉપર સાંઠાનું છાપરું છાઈ બાવળની ડાળોથી થાંભલીઓ બનાવી હતી. પાછળની ભીંતમાં બારી હતી. ભીંતને અઢેલી લાંબા પગ કરી હું બેઠો. વાહ રે ગોરી ગોવાલણી, તારી ગામડાની ભાષામાં મધુરતા ! બસ, આજ એને જવા જ ન દઉં. વાતોમાં એને પણ એનું ઘર ભુલાવી દઉં. જોઈએ, મને એ ગાયો ચરાવતાં શીખડાવે છે ? એણે ઝઈમી સાડી, તસતસતી ચોળી અને રેશમી ચણિયો પહેર્યાં હોત તો એ કેવી લાગત ! અંબોડે ગુલાબ ખોસ્યું હોત, ગળામાં મોતીની એક સેર હોત, અને આ જ મદમાતી ચાલે એ ચાલી જતી હોત તો કોને ભુલાવામાં ન નાખત ? – કલ્પનાઓ જોડી જોડી એના રૂપને હું વધારે મોહક બનાવતો હતો. એની તામડીઓ ઉપર કાંઈક નામ લખ્યું હતું તે મેં જોવા માંડ્યું. અસ્પષ્ટ અક્ષરે ‘દલી’ એટલું વંચાતું હતું. એ ઉપરથી મેં માન્યું કે ‘દલી’ એનું નામ હશે. સ્ત્રીનું નામ કેમ ? કદાચ મહિયરથી સાસરે જતી વખતે એને આ તામડીઓ એનાં માબાપે આપી હશે. કેવી સ્વચ્છ અંદરથી અને બહારથી એણે રાખી છે ! દૂધને શોભા મળે અને સારું જણાય એમાં નવાઈ ? તામડીને લીધે પણ દૂધ ગમે. માથે મૂકવાની ઈંઢોણી એ સાથે કેમ ન લઈ ગઈ ? જ્યારે અધ્ધર તામડી માથે રાખી એ ગામમાં આવે છે, ત્યારે શો એનો અવાજ ! પરોઢમાં જેમ પ્રભાતિયું મીઠું લાગે તેમ એનો રણકાર મીઠો લાગે છે. એથી અરધી જાગતી અવસ્થામાં સવારનું શુભ શુકનનું સ્વપ્નું આવે અને આખો દિવસ આનંદમાં જાય. આખા ગામને એ આશીર્વાદરૂપ દેવી હતી.