પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આમ વિચાર કરતો વીસેક મિનિટ બેઠો હોઈશ એટલામાં એ આવી અને ‘‘બેઠા સો ?’’ એટલું પૂછ્યું.

‘‘કેમ, ટોપલી જડી ?’’

‘‘ના રે બઈ ! ચારપોંચ ઘેર પૂસી આવી, પણ ચ્યોંય પત્તો નહીં. કુણ જાણે કુનેય ઘેર મેલી આવી હઈશ. અત્તારના પોરમાં તે ચેટલે ભટકું ?’’ કહી જાણે નિરાશ થઈ હોય તેમ બેઠી.

‘‘દલી ?’’

‘‘દલી’’ કહેતાંની સાથે એ જરા ચમકી; ‘‘ગોમમાં મને લોક દૂધવાળી કહે છે.’’

‘‘જો, આ તારી તામડી ઉપર લખ્યું છે, તે તારે પિયરથી આ તને મળી’તી ખરું ને ? તારાં લગ્ન વખતે.’’

હું તો એનામાં તન્મય થયેલો હતો તેથી જુદાં જુદાં અનુમાન મેં કરી રાખ્યાં હોય તેમાં નવાઈ નહીં.

‘‘તારો વર બીજી વારનો છે ?’’ ગળામાં શોકપગલું જોઈ મેં પૂછ્યું. મારી નજર એના ધોળા વદન પર પડતાં એણે સામું જોયું અને સાલ્લો સંકોરી ઉપર ખેંચ્યો.

‘‘તું ને તારો વર આખો દિવસ શું કરો છો ?’’

‘‘બળ્યો મનખો !’’ કહી આડું જોઈ એ હસી. દાંતની કળીઓને સાડીઓમાં સંતાડી હસી.

‘‘ના, ના, કહે તો ખરી; સવારથી સાંજ સુધી તમે શું શું કામ કરો છો એ કહી જા.’’

‘‘તે શું કરતાં હઈશું ? ઢોરોનું કોંમ. હવારમાં વહેલાં ઊઠીએ, દાતણ-પોંણી કરી વાસડાંને ધવડાવીએ. એ ગાયો દોવે ને હું બાખડી દોહું. દૂધ કાઢી ચારબાર નોંશી અમે બે