પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



ચિત્રદર્શનો/કલાપીનો સાહિત્યદરબાર

દિન ગણન્તાં માસ, માસ ગણત વર્ષે ગયું.

વિરહવ્યાકુળો કાવ્યબોલ કહે છે કે આંગળિઓની રેખાએ રેખાએ દિવસો ગણ્યા, વેઢે વેઢે મહિના ગણ્યા, ટેરવે ટેરવે વર્ષો ગણ્યાં. જતી નાવડી જેવી એ તિથિ તો આઘી ને આઘી જાય છે. દિવસ ઉગે ને સ્‍હાંજ પડે તેમ તેમ એની પગલીઓ અનન્તના આરા ભણી સંચરે છે. પાણી ઓટનાં છે, દર્શન દૂર ને દૂર સિધાવે છે. અન્તરિયાળ કાળનાં અન્ધારાં ઉતર્યે સ્મરણો યે ઝંખવાય છે. કલાપીનગરીના મહાજનો !

દલપતકવિતાએ મિત્રવિરહની એક ધા નાંખી છે કે

આજકાલની વાત, જોડ વરસ જાતાં રહ્યાં;
ભેળા થઈને, ભ્રાત ! ફરી ન બેઠા ફારબસ;

આ તો ચાર ચાર દાયકા વીતવા આવ્યા. સૈકાની સાથે એ આથમ્યો. મુજથી ત્રણ જ વર્ષપાંખડીએ એ મ્હોટેરો હતો. આજે હોય તો ૬૪ વર્ષની આયુષ્ય ઉમ્મરે ઉભો હોય-ાનુભવધીમ્ગો ને મહાજનોનો મોભી. સૂરજમાળાનો સૂર્ય હોત. પછી તો બે-બે પેઢીઓ ઉગી ને આથમી. એના બન્ને કુંવરોને ભણાવ્યા. કુંવરીની કંઈક શુશ્રૂષા કીધી, જામાતૃની સંભાળ લીધી, બન્ધુનો કર્તવ્યસંગાથ સાધ્યો, સાળાના સદ્‍ભાવ નીરખ્યા, મિત્રમંડળની મૈત્રી માણી, સાહિત્યસંગાથીઓ સંગાથે સોહાયો. આજે એના પુત્રના યે પુત્રની મહેમાનીએ આવ્યો છું. એક જ-અને એના ઓરતા રહિ ગયા. મ્હારો સોરઠવાસ આરંભાયો ૧૯૦૪માં; ૧૯૦૦ માં એ વહ્યો હતો. હું ચારેક વર્ષ મોડો પડ્યો. At times Too Late is ever Too Late. અતોમોડું ક્ય્હારેક નિરન્તરનું અતિમોડું નીવડે છે.