પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘણાઓએ અને ઘણા ઘણા રાજદરબારો તો દીઠા હશે. રાજવીનો સાહિત્યદરબાર વિરલાએ નીરખ્યો હશે. દસરાની દરબારસ્વારીઓ નિહાળવાને જનમેદની નગર-નગરે જામે છે. રાજવીની સાહિત્યસ્વારી નીરખવાને કોક નગરી ભાગ્યશાલિની થાય. કલાપીનગરીના મહાજનો ! એ વિરલ સૌભાગ્ય ત્‍હમારાં છે. રાજરમતરંગીલાઓ કલાપીના રાજદરબારના રાજરંગો ભાખશે. આ સાહિત્યોપાસક તો કલાપીના સાહિત્યદરબારનાં દર્શન કરાવવાને આવ્યો છે. મહાજનો ! દેવ ત્‍હમારા છે, હું તો આગન્તુક પૂજારી છું, પૂજનભાવે આવ્યો છું. સાહિત્યનામ પૂજન મ્હારે જીવનસર્વસ્વ છે. કોક સાહિત્યસ્વામીઓ સૂર્યતેજસ્વી હોય છે, કોક ચન્દ્રતેજસ્વી હોય છે. સૂર્ય તપતો હોય ત્ય્હારે તારલાઓ કંઈ આથમેલા હોતા નથી, તેજડૂબેલા હોય છે. ચન્દ્ર ઉગે ત્ય્હારે તેજબિમ્બનાં ઝુમખાં, ઝગમગિયા જેવાં ઝગમગે. કલાપી ચન્દ્રતેજસ્વી હતા; શીતળ ને નિર્મળ ચન્દનીધવળા ને મણિઉજ્જવળા. એની મધુરમધુરી તેજસ્વી નક્ષત્રમાળા ઝગમગતી. પેલી વિભૂતુયોગની પદાવલિ કલાપી કાજે યે ઉચ્ચારય કે

નક્ષત્રોમાં હું ચન્દ્રમા.

એ નક્ષત્રપતિની નક્ષત્રાવલિનાં દર્શને આજે જઈએ. સાહિત્યના ગ્રહો ઉપગ્રહો ને ઉગતા તારલાઓના ત્ય્હાં દર્શન થશે. કલાપીના સાહિત્યદરબારમાં હતી રાજકુમારીઓ ને હતા રાજકુમારો. એક હ્તી નાગરવેલ શી નમણી સુન્દરતાની વેલ. એક હતો કાન્ત-સકલ કાન્તિમત્તાનો ભક્ત. એક હતો સર્વસંચારી સાહિત્યસ્વામી. એક હતો સિંહગર્જનાએ ગર્જતો સિંહનો બાળકો. જોબનઝૂલન્તાં હરણકાંઓ તો કંઈ કંઈ આવતાં ને જતાં. કલાપીના કલાપમાં અનેક સમાતા. કલાપીના સાહિત્યદરબારનાં મહારાણી હતાં અમાબા. કચ્છનાં કોડ ને રૂપ હતાં, ઉછળતી દેહછટા હતી, સિંહણ સમો સીનો હતો. રમાબા હતાં જાજરમાન; ભલભલા કને માન મૂકાવે. આંખનાં આકર્ષણ પન સિંહણઆંખડીનાં હતાં. એમના બોલ ન્હોતા ઝરતા, આજ્ઞાટંકાર થતા. ભજન ગાય ત્ય્હારે પડઘા પડતા. મહેમાનોની મહેમાની એ રમાધર્મ હતો. નિર્ધારદૃઢતામાં આચળા સમું અચળત્વ, ભજનધૂનમાં રણકા સમો શબ્દગોરમ્ભો રાજરમતમાં અવસરજીતતાં જાદુ રમાબાનાં હતાં. રાજદરબારીઓ એ સહુ જાણતા ને