પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સર્વે યે રમાવશ વર્તતા. સ્વયં કલાપીને રમાના ગુરુત્વાકર્ષણ ઘટા પેરે ઘેરી વળતાં. આદ્યશક્તિની રમાકુંવરી હતી: પ્રતાપી, શક્તિશાલિની, જયકલગી વરેલી.

અને શોભના હતાં સૌરભ ને સુગન્ધ. રમાબા હતાં આરસપ્રતિમા, શોભના હતાં ફૂલપાંખડી. શોભનાની સુકુમારતા સર્વવિદિત છે ધરતી ને આસમાન સમાં રમાશોભના વચ્ચે અન્તર હતાં. રમાબા હતાં ધારિત્રી સમાં દૃઢપ્રતિષ્ઠિત ને સંકલ્પસ્વામિની; શોભના હતાં આસમાન સમાં Illusive ને કિરણકુમળાં. પૃથ્વી ડગે તો રમા ડગે; કિરણ ઝલાય તો શોભના ઝલાય. પૃથ્વીને આકાશ અન્તરિયાળ-રમા ને શોભનાની વચ્ચે જીવનભર કલાપી હિન્ડોળા ખાતા હીંચકતા.

કુમાર કૉલેજના કલાપીમિત્રોની હતી એક રાજબેલડી: દરબારશ્રી વાજસૂરવાળા ને દરબાર શ્રી બાવાવાળા. સદ્‍ભાગ્યે વાજસુરભાઈ આજ આપણવાસી છે. પેલી સોરઠની ચાતુર્માસી સંન્યાસિણી નદીને આરે વડપીંપળમાં વસે છે, થિયોસોફીના ગ્રીષ્મવર્ગો ભરે છે. ધારે તો કલાપીસંભારણાંની સ્મરણઝડીઓ વરસાવે. બાવાભાઈ પ્રભાસના સાગરજળમાં પોઢ્યા. બન્ને ય હતા સાહિત્યરસિયા; રસને જાણતા અને માણતા. સોરઠવિખ્યત કાઠીવછેરાઓ જેવા થનગનતા ઉભય દરબારો તેજસ્વી, માનમરોડાળા, રોનકદાર હતા. શીંગાળા કાળિયાર ઉછળે એમ ઉછળતા ને છલંગો ભરતા, ક્ય્હારેક કાળિયારની પેરે શીંગડિયું યે દાખવતા. રાજકુમારોની મિત્રત્રિપુટિ મળતી ત્ય્હારે ત્ય્હારે અન્તરની ગુફાઓ ઉઘડતી ને અન્તર્યામી ઉંડાણની વાતું થાતી. પરસ્પરની વાતોના સૌ વિસામા હતા.

ક્ય્હારેક લઘુબન્ધુ વિજયસિંહજી એ સાહિત્યદરબારમાં ડોકિયું કરી જતા, ક્ય્હારેક સોનગઢથી યુવરાજ લખધીરજી કલાપીમહેમાનીએ પધારતા. પ્રાન્તબંગલો ત્ય્હારે સોનગઢમાં રાજમાતા સંગાથે સ્વયંલીધા દેશવટે હતા. મચ્છુના છીપરવાટે બેઠા બેઠા આજે યે લખધીર મહારાજ ગોહીલમહેમાનીનાં માણ્યાં સ્વપ્નાં સંભારે છે.

કલાપીના સાહિત્યદરબારમાં ગુરુપદે વિરાજતા હતા શ્રી મણિલાલ નભુભાઈ. અભેદોર્મિની ગઝલો ત્ય્હારે લોકગાજન્તી હતી. ગુલાબસિંહની નવલકથા આપણો બહુમૂલો ગ્રન્થવારસો છે. કાન્તા નાટકમાંનાં કાવુઅપુષ્પો સદા સૌરભવન્તાં મહેકશે. ઉત્તરરામનું ભાષાન્તર આપણી ભાષાન્તરમાળામાંનું જવાહીર છે; એની ભભક ત્ય્હારે નવભાતીલી હતી; સિદ્ધાન્તસાર મેસમેરિઝમ ઈમિટેશન ઑફ શંકર મણિલાલના ફિલસુફીમિનારાઓ છે.