પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

" આપ દીવાન સાહેબને લખો કે આ ગામ સુધરાઈ કાઢવા સરખું નથી. સુધરાઈથી ગામમાં ખટપટ જાગશે માટે સુધરાઈ કાઢવી ન જોઇએ."

"દીવાન સાહેબે તજવીજ કરીને અને કાગળો વાંચીને જે અભિપ્રાય બાંધ્યો હોય તે મારી ચિઠ્ઠીથી ફેરવી નાંખે એ આપની માગણી વ્યાજબી છે? જેને માથે રાજની જવાબદારી હોય તે નક્કી કરે કે ફલાણા પગલાં લેવાં કે ન લેવાં. હું એમાં મારો અભિપ્રાય આપી શકું નહિ."

"ભાઈએ તો કહ્યું કે તમે જશો એટલે ચિઠ્ઠી લખી આપશે."

"મારે કેવી રીતે વર્તવું એ નિર્ણય કરવાની થોડી ઘણી છૂટ તો મને ખરી કે નહિ?" એ ગામમાં સુધરાઈ સ્થપાયાથી પડવાનાં દુ:ખ વિશે અનેક કલ્પનાઓ સંભાળવી ડેપ્યુટેશન ઘણી આનાકાનીથી વિદાય થયું.

નવલકથાનું પાનું હું પૂરું કરી રહ્યો એટલે એક વહોરાને લઇ એક માણસ આવ્યો. તેણે કહ્યું, ‘.....ભાઈએ કહ્યું છે કે આ વહોરાજીની હકીકત માટે એને ચિઠ્ઠી લખી આપવા જેવું છે.’ સંદેશો કહી તે ચાલતો થયો અને વહોરાજીને બક્ષીસ રૂપે મૂકતો ગયો. વહોરાજીને પૂછતાં માલુમ પડ્યું કે કોર્ટમાં તેની અપીલ ચાલવાની હતી તે કોર્ટના ન્યાયાધીશ પર તેને ચિઠ્ઠી જોઇતી હતી. મેં કહ્યું, "ઇન્સાફના કામમાં ચિઠ્ઠી અપાય નહિ."

"હું બી એવી જ ચિઠ્ઠી માંગુ છું કે ઇન્સાફ કરજો."

"એ સાહેબ હંમેશ ઇન્સાફ જ કરે છે. ત્યારે ચિઠ્ઠીની જરૂર શી?"

"ફક્ત જમણી અને દાબી આંખ જેટલો ફરક રાખે એટલી મારી અરજ છે."

" મતલબ કે મારે લખવું કે આ વહોરાજી તરફ પક્ષપાત કરી ગેરઇન્સાફ કરજો?"

"નહિ સાબ, આદમ જાતને દાબી જમણીમાં ફરક કરવો પડે છે."