પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"ઇન્સાફ કરનારને તો જેનું ખરું હોય તે જમણો અને જેનું ખોટું હોય તે ડાબો. તમારું ખોટું જણાય તો પણ ન્યાયાધીશ તમને જમણા ગણે એવી ભલામણ શી રીતે કરી શકાય?"

"....ભાઈએ તો કહ્યું કે તમને જરૂર ચિઠ્ઠી લખી આપશે."

"એ સાહેબ તો મોટા માણસ છે. એમણે આવી ભલામણ કરી તે બહુ નવાઈ લાગે છે. પણ ઇન્સાફના કામમાં ન્યાયાધીશને હું કદી ચિઠ્ઠી લખતો નથી કે ભલામણ કરતો નથી."

દાબી જમણી આંખની ફિલસુફી મને અનેક પ્રકારે ફરી ફરીથી સમજાવી વહોરાજી ઘણી નામરજીથી વિદાય થયા. પરંતુ નવલકથા આગળ વાંચવાનું મારા નસીબમાં નહોતું. મારો જૂના વખતનો જાણીતો અને સરકારી નોકરીમાંથી બરતરફ થયેલો એક કારકુન તરત દાખલ થયો. તેની બરતફીના હુકમમાં રહેલી ભૂલો વિષે વિસ્તારી વિવેચન તેણે મને અનેકવાર સમજાવ્યું હતું. અને તેની પુનરુક્તિ માટે હું સજ્જ થયો. પરંતુ તેણે જુદી દિશામાં વહાણ વાળ્યું હતું. તે બોલ્યો, "મારી પ્રથમની નોકરી પાછી મેળવવાની માથાકૂટ મેં મૂકી દીધી છે. મને બીજી નોકરી મળે તો બસ છે. તમે મારા છોકરાને નિશાળમાં નોકરી અપાવી પણ ઇજનેર ખાતામાં નોકરી માટે મેં અરજી કરી છે. માટે ઇજનેર સાહેબ પર મને ચિઠ્ઠી આપો કે એમના ખાતામાં જો નોકરી મારા લાયક હોય તો મને રાખે. અને ઇજનેર સાહેબના ઉપરી સાથે તમારે ઓળખાણ હોય તો તેમના પર ચિઠ્ઠી લખી આપો અને વસુલાત ખાતાના મોટામાં મોટા અધિકારી સાથે તમારે પિછાણ હોય તો તેના પર ચિઠ્ઠી લખી આપો કે તમારા તાબાના સૌ અધિકારીઓને ભલામણ કરજો કે રૂા. ૭૫ની જગા ખાલી પડે ત્યારે પહેલી આ માણસને આપે. અને જંગલખાતાના ઉપરીને તમે ઓળખતા હો તો તેના ઉપર ચિઠ્ઠી લખી આપો કે ખાલી પડતી જગા આ માણસને આપજો. અને હાલ જગા ખાલી ન હોય તો નવી જગા કહાડી આપજો. તમે લખશો તો જરૂર નવી જગા કહાડશે. મીઠા ખાતાના ઉપરીને તો તમે ઓળખો છો માટે તેના પર ચિઠ્ઠી લખી આપો કે મારો માણસ છે. માટે આને જગા આપ્યા વગર ચાલે તેવું નથી; કોઇ એમની વિરુદ્ધ કહે તો સાંભળશો નહિ."

"તેના કરતાં હું તમને ગવર્નર જનરલ પર ચિઠ્ઠી લખી આપું તો કેમ?"

"શી ચિઠ્ઠી લખી આપશો ?"