પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"ચિઠ્ઠીમાં એમ લખું કે આ માણસને સરકારી તિજોરીમાંથી એક લાખ રૂપિયા આપજો. કેમકે નાણા વિના એ બહુ દુ:ખી થાય છે." "તમારે મન તો મશ્કરી છે પણ અમે કામધંધા વગર હેરાન થઈએ છીએ."

"ત્યારે તમે જુદા જુદા અમલદારો પર મારી પાસે અણઘટતી ચિઠ્ઠીઓ લખાવી મારી હાંસી કરવાના પ્રયત્નો કરો છો એ તમારા ધ્યાનમાં નથી આવતું? એવી માંગણી હું કરું તે તેઓ સ્વીકારી શકે?"

"માગણી કરવામાં તમારું શું જાય છે? મારું નસીબ હશે તો કોઇ જગાએ જોગવાઇ થઈ જશે."

"તમારે મન તો એમ કે વાગે તો તીર નહિતર ટપ્પો! હું મૂરખ ગણાઉં તેની તમને ચિંતા નથી."

"સાહેબ, આટલી ઉમ્મરે મારી નોકરી ગઇ. હવે હું શું ધંધો કરું? બરતરફ થયેલા માણસને નોકરીમાં રાખવા કોઇ ખુશ ના હોય એ શું વાજબી છે? પરમેશ્વરને કોઇ કહેનાર નથી કે એ લોકોને આવી કુબુદ્ધિ કેમ આપે છે?"

"મને એવો વિચાર આવે છે કે બધું મૂકી તમને પરમેશ્વર પર લખી આપું કે ‘આ માણસને સ્વર્ગમાં દાખલ કરજો. એણે કાંઇ પુણ્ય કર્યાનું તો મારા જાણવામાં નથી. પણ એ મારો ઓળખીતો છે.’ પછી તમારે આ દુનિયાની વાતોની કાંઇ પરવા જ કરવાની નહિ, અને તમે સ્વર્ગમાં જઇ તમને થયેલા અન્યાય વિષે પરમેશ્વર સાથે સવાલજવાબ કરજો."

"હજી તો મારે ઘણું જીવવું છે. રસ્તો ખોદનારા મજુરોની હાજરી લખવાની હંગામી નોકરી મને મળે તેવી ચિઠ્ઠી લખી આપો એટલે બસ છે. હું રૂશ્વત લીધા માટે બરતરફ થયો નથી પણ વગર રજાએ ગેરહાજર રહ્યા માટે બરતરફ થયો છું એટલું ચિઠ્ઠીમાં સમજાવજો."

ચિઠ્ઠી લઇ તે વિદાય થયો. પણ, સૂર્ય આથમે ને ચંદ્ર ઊગે તેમ તેની પીઠ અદ્રશ્ય થઈ તે તરત એક કંટ્રાટ્રી દાખલ થયો. એણે મ્યુનિસિપાલિટીની નિશાળનું મકાન બાંધવાનો