પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



પાયાની કેળવણી/નિવેદન


જેની પાસે જીવન વિષે આમૂલાગ્ર વિચાર હોય, જિજ્ઞાસા હોય, અને તેની સાધના માટે સતત પુરુષાર્થ હોય, તેની પાસે કેળવણી વિષે અમુક દર્શન છે જ, એમ કહેવામાં કશી ભૂલ નથી લાગતી. હા, તે માણસ શિક્ષણશાસ્ત્રની અથવા માનસશાસ્ત્રની અથવા માનસશાસ્ત્રની પરિભાષા કદાચન વાપરતો હોય - ન વાપરી જાણતો હોય; પરંતુ પરિભાષા દર્શન નથી. પરિભાષા હોવા છતાં દર્શન ન હોય, અને દર્શન હોય તો પરિભાષાની ગરજ મર્યાદિત બની જાય છે; દર્શન પોતાની ભાષા સરજી લે છે. ગાંધીજી આ પ્રકરના કેળવણીકાર હતા. એવાને મન, જીવનની ખરી કેળવનીમાં અને જીવનના સાફલ્ય માટેની સાચી સાધનામાં ફરક નથી હોતો. માત્ર, એ સાધનાને શાળા-ગત કરવાની રહે એટલું જ. ગાંધીજીએ આમ કરવાનો પ્રયત્ન લગભગ એમની આખી ઉંમર કર્યો છે. તેઓ સમજણા અને જવાબદાર થયા ત્યારથી પોતાના વ્યક્તિગત વિકાસને અંગે અને બાળકોની જવાબદારી લેવાને થઈ ત્યારથી તેમના શિક્ષણની દૃષ્ટિએ, તેમણે આખી જિંદગી કેળવણીનું કામ કર્યું છે, એમ કહી શકાય. એમના सत्यना प्रयोगो ની નોંધ, એ રીતે જોતાં, એમના 'કેળવણીના પ્રયોગો'ની જ નોંધ છે.

ઉપરાંત જેને સામાન્ય રીતે શિક્ષણ કહેવાય છે તેને અંગે પણ તેમણે સારી પેઠે લખ્યું છે. એ બધાં લખાણોમાંથી, તેના નિચોડરૂપે ગ્રંથો અત્યાર સુધીમાં પ્રસિદ્ધ થયા છે, જેમાં ગાંધીજીના શિક્ષણ વિષયક વિચારો ઠીક ઠીક સમગ્રતાપૂર્વક મળી રહે છે -

૧. ખરી કેળવણી ૨. કેળાવણીનો કોયડો

એમાં મનુષ્યના સર્વાંગી વિકાસની દૃષ્ટિએ શિક્ષણના સિદ્ધાંતનું તથા તેના વિવિધ અંગોનું નિરૂપણ થયું છે. સને ૧૯૨૦થી ગાંધીજીએ રાષ્ટ્રીય કેળવણીનો જે મહાન પ્રયોગ શરૂ કર્યો, તેનો પણ સાંગોપાંગ ખ્યાલ આવી જાય છે.

૧૯૩૭ પછી શિક્ષણમાં બે મુખ્ય બાબતો તરફ ગાંધીજીને ખાસ ધ્યાન આપવાનું થયું - ૧ રાષ્ટ્રભાષાનો પ્રચાર ૨. રાષ્ટ્રની સાર્વત્રિક કેળવણી. એટલે એ બે અંગે તેમણે આ દસકા દરમિયાન વિશેષ ચર્ચા કરી અને દેશમાં પણ તેનું જબરું આંદોલન ચલાવ્યું.