પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને કામગરા બની લોકશાહી પ્રજા બને તે નહોતું. એ જમાનો હવે ગયો છે અને સ્વરાજ તથા લોકશાહી આવ્યાં છે; તો ઉઘાડી વાત છે કે, ઉપરની બધી વસ્તુઓમાં પલટો આવવો જોઈએ. પણ તે બદલાયો નથી; બદલી શકાતો નથીલ; કેમકે શ્રદ્ધા ખૂટે છે. મૅકોલેએ આપેલો આત્મા છે તે કાલગ્રસ્ત થઈ ગયો છે. છતાં તેનું ખોખું ખેંચાયા કરે છે અને તેમાં કેટલાંક વર્ગહિતે આરામ જુએ છે. એટલે મીરાંબાઈના ભજનની પેલી કડી જેવા હાલ આપણા શિક્ષણતંત્રના થયા છે -

'ઊડી ગયો હંસ, પીંજર પડી તો રહ્યું.'

પાયાની કેળવણી આમાં આત્મા પૂરવા માટે છે. એ કામ ગાંધીજી જેવા જ કરી શકે. તેથી જ તેનો વખત ૧૯૩૭માં આવતો લાગ્યો તેની સાથે તેમની પ્રતિભામાંથી સહજપણે આ યોજનાનો મંત્ર પ્રગટ્યો. એનો સાચો અર્થ સમજવામાં આ સંગ્રહ મદદરૂપ થશે.

સંગ્રહના લેખોને પાંચ ખંડો વહેંચવામાં આવ્યા છે. બધા લેખો સળંગ વાંચતાં તેમની જેવી ફૂલગૂંથણી સૂઝી, તે પરથી એ પાડ્યા છે તેમાં કોઈ અગાઉથી કરેલી કલ્પના કે ગોઠવણી નથી. ૧૯૩૭માં પહેલું આ આયોજનનું મંડાણ થયું ત્યારથી ૧૯૪૭ સુધીમાં ગાંધીજીએ આ વિષે કરેલી ચર્ચા એમાં આવી જાય છે. ૧૯૪૭ સુધીમાં ગાંધીજીએ આ વિષે કરેલી ચર્ચા એમાં આવી જાય છે. ૧૯૪૭થી આ કામ આગળ લેવા માટેની વિચારણા પણ તેમણે કરી છે; તે અલગ ખંડ રૂપે અંતે આવે છે. તો આજે પણ આપણને પૂરી માર્ગદર્શક છે. એમ આ ચોપડી વર્ધા યોજના વિષે ટૂંકમાં છતાં બધી રીતે પૂરો ચિતાર આપે એવી પરિપૂર્ણ છે.

વધુ એક વસ્તુ કહેવાની રહે છે. વર્ધા શિક્ષણ યોજના એટલે માત્ર પ્રાથમિક કેળવણીનો નવો નમૂનો, એવી સમજ કેટલાકની હોય એમ લાગે છે. એ ભૂલભરેલી છે, એ પણ આ ચોપડી પરથી વાચકને જણાશે. તેમાં આખા શિક્ષણની પુનર્ઘટનાનો રાષ્ટ્રીય સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો છે. તેનો અમલ શરૂથી કરવા માંડીએ તો આગળ આપોઆપ જરૂરી વાતાવરણ તૈયાર થાય અને રસ્તો મળે એટલે જ પ્રાથમિક કે પાયાની કેળવણીનો વિચાર પહેલો અને વિગતે કર્યો છે. બાકી વાચક વાચશે તો જણાશે કે , ઈ.સ. ૧૯૩૭-૩૮માં જ્યારે ગાંધીજીએ વર્ધા પરિષદમાં રજૂ કરવાને માટે શિક્ષણમાં ક્રાંતિની પોતાની સૂચના કરી, ત્યારે તેમાં સમગ્ર શિક્ષણની દૃષ્ટિ રાખીને આલોચના કરી હતી. અને તેમાં તેમણે શિક્ષણક્રમના બે ભાગ કર્યા હતા -