પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉચ્ચારી જુઓ. બંને વચ્ચે સ્પષ્ટ ભેદ વરતાશે! સઘોષ અક્ષરોના ઉચ્ચાર વખતે ગળાનો હૈડીયો વધુ ઘેરો અવાજ કાઢશે જ્યારે અઘોષ અક્ષરોના ઉચ્ચાર વખતે હૈડીયો શાંત જેવો જણાશે!

આમ, જે વ્યંજનોનો ઉચ્ચાર કર્યા પછી રણકો (કે ઘેરો અવાજ)સંભળાય તે વ્યંજનોને “ઘોષ” વ્યંજનો કહેવાય છે.

અને જે વ્યંજનોનો ઉચ્ચાર કર્યા પછી રણકો (કે ઘેરો અવાજ)સંભળાતો નથી તે વ્યંજનોને “અઘોષ” વ્યંજનો કહેવાય છે.

અલ્પપ્રાણ – મહાપ્રાણ

અલ્પપ્રાણ અને મહાપ્રાણ સમજવા એક મહાવરાની જરૂર છે. ‘ક’ અને ‘ખ’ આ બે અક્ષરોનો ઉચ્ચાર કરો. ‘ક’ ના પ્રમાણમાં ‘ખ’ બોલતી વખતે વધુ મહેનત પડે છે. જ્યારે ‘ક’ માં અલ્પ માત્રામાં ‘હ’ ભેળવાય ત્યારે ‘ખ’નો ઉચ્ચાર થતો લાગે છે. તેવું જ ‘ગ’ અને ‘ઘ’ નું છે. આમ એવા અક્ષરો જેનો ઉચ્ચર ‘હ’ ભેળવીને થાય છે તેમને “મહાપ્રાણ” અને જે વ્યંજનોનો ઉચ્ચાર ‘હ’ ભેળવ્યા વગર થાય તેમને “અલ્પપ્રાણ” કહે છે.

એક અન્ય સમજણ પ્રમાણે અઘોષ-સઘોષ બન્ને ખાનાંઓમાની કોઈપણ અલ્પપ્રાણ વિભાગના અક્ષરને ઉચ્ચારો દા.ત. પ્રથમ આડી લાઈનમાંનો અલ્પપ્રાણનો ‘ક’ ઉચ્ચારો. હવે ફરી ‘ક’ ઉચ્ચારો પરંતુ ગળામાંથી હવા [પ્રાણ]ને વધુ જોરથી ફેંકીને. પહેલી વાર સાધારણ હવા ફેંકો અને બીજી વાર હવા જોરથી ફેંકો. ગમે તેટલી કોશિશ કરશો તો પણ વધુ હવા ફેંકતી વખતે ‘ક’ કે ‘ચ’ બોલી નહીં શકાય! હવા વધુ ફેંકતાં ‘ક’ નો ‘ખ’ થઈ જશે અને ‘ચ’ નો ‘છ’ થઈ જ જશે!! આમ પ્રાણ કે હવાના પ્રયોગ પ્રમાણે વ્યંજનોને અલ્પપ્રાણ અને મહાપ્રાણમાં વર્ગીકૃત કરાયા છે.

દરેક વર્ગનો પહેલો ત્રીજો અને પાંચમો વ્યંજન તથા અર્ધ સ્વર ‘ળ’ એ અલ્પપ્રાણ છે એટલે કે ક, ગ, ચ, જ, ટ, ડ, ણ, ત, દ, ન, ત, દ, ન, પ, બ, મ, ય, ર, લ, વ, ળ એ અલ્પપ્રાણ છે. આમ વીસ વ્યંજનો “અલ્પપ્રાણ” હોય છે.