પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તમારા એ સ્વર્ગીય ગાંડપણનો તમે વિચાર કરો તો તમારા વિષે તમે શું ધારો ?

શોક કોણ ભુલાવે છે ?

થાક કોણ ઉતારે છે ?

વાંઝિયામેણું કોણ ભાંગે છે ?

ઘરને કિલકિલાટથી આનંદિત કોણ કરે છે ?

માને ગૃહિણી કોણ બનાવે છે ?

પિતાને સંસારની લડતોમાં જંગબહાદુર કોણ કરે છે ?

કોઈએ બાળકને કદરૂપું કહ્યું જાણ્યું છે ? બાળક, બાળક મટી આદમી થાય છે ત્યારે જ તે કદરૂપું બને છે. કદરૂપો નર કે કદરૂપી નારી એટલે વિકૃત બાળક.

બાળકને જે નથી રમાડતું તે સહૃદયતાનો દાવો કરી શકે ?

બાળકને તમે જુઓ અને તમે તેને તેડો પણ નહિ ત્યારે તો તમે પ્રેમી છો એવો તમારો દંભ એક ક્ષણભર પણ ન ટકી શકે. પ્રેમમાં બીજે દંભ ચાલે પણ બાળક પાસે ન જ ચાલે. બાળક તો પ્રેમની આરસી છે. રાજા કે રંક, મૂર્ખ કે વિદ્વાન, ગરીબ કે તવંગર, બાળકની પાસે કોણ નથી નમ્યું ? એનો પ્રેમ લેવા કોણ વાંકું નથી વળ્યું ?

દાંત વિનાનું નાનું એવું મોઢું બાળક ઉઘાડે છે ત્યારે જાણે ગુલાબનું ફૂલ વિકસ્યું !

બાળક સવારે ઊઠે છે ત્યારે તેને મન દુનિયા નવી લાગે છે. દુનિયાને પણ બાલક રોજ ને રોજ નવું જ લાગે છે.