પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



બાળકમહિમા

બાળક પ્રભુની અમૂલ્ય બક્ષિસ છે.

બાળક કુદરતની સુંદરમાં સુંદર કૃતિ છે.

બાળક સમષ્ટિની પ્રગતિનું એક આગળ પગથિયું છે.

બાળક માનવકુળનો વિશ્રામ છે.

બાળક પ્રેમનો પયગમ્બર છે.

બાળક માનવશાસ્ત્રનું મૂળ છે.

બાળપૂજા એ પ્રભુપૂજા છે.

બાળકોને ચાહો ને તમે જગતને ચાહી શકશો.

પ્રભુને પામવો હોય તો બાળકને પૂજો.

પ્રભુએ જો કોઈ અતિ નિર્દોષ વસ્તુ પેદા કરી હોય તો તે એક બાળક જ છે.

બાળકની પાસે રહેવું એટલે નિર્દોષતાનો સહવાસ સેવવો. માતાઓ અને પિતાઓ ! તમે બાળકનું નમણું હાસ્ય જોયું છે? એમાં તમારાં સઘળાં દુઃખોને ડૂબી જતાં તમે કદી અનુભવ્યાં છે? બાળક ખડખડ હસતું હોય છે ત્યારે એના મોંમાંથી નાનાં નાનાં ફૂલો ખરે છે એમ તમે જાણો છો?

બાળકને રમાડતાં તમે કેવાં કાલાંઘેલાં બનો છો એ તમે સમજો છો ? તમને ભારેમાં ભારે કિંમત આપે તોપણ એવાં કાલાં તમે કદી થાઓ ખરાં ?