પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બેદરકારી છે એમ નહીં કહી શકાય. જોતજોતામાં બંન્ને બાજુએ ડાંગ, પથ્થ્રર, ઈંટો ને જે કંઈ ચીજા હાથમાં આવી તે લઈને સજ્જ થયેલી બે સેનાઓ સામસામી ઊભી રહી.

ઇબ્રાહીમકાકા પણ એમના પુત્રપૌત્રાદિ સાથે ત્યાં હતા. એમણે ઝ્ઘડો પતવવાનો ઘણો પ્રયત્ન કરી જોયો પણ તોફાની લોકો ફાવી ગયા હતા. અમારાં ઢોર પણ ડબ્બામાં પુરાયેલાં, એટ્લે મારા ભાઈઓ પણ ત્યાં હતા. સ્ત્રીઓને બાદ કરતાં આખું ગામ ભેગું થયું હતું. સ્ત્રીઓ ઘરે માથાં ફૂટ્યાંની અને હાડ્કાં તૂટ્યાંની વાતો સાંભળવાની રાહ જોઈ રહી હતી. હું નિશાળમાંથી આવીને જોઉં તો તમામ ઘરનાં બારણાં બ્ંઘ થઈ ગયેલાં ને ગામ આખું લડાઈને માટે બહાર નીકળી ગયેલું. મેં ચોપડીઓ ખૂણામાં નાખી દીઘી અને લડાઈની જગાએ દોડી ગયો. મારી નસોમાં લોહી ગરમ થતું હતું ને મને લડવાનો તરવરાટ થઈ રહ્યો હતો. મારી બાએ બૂમ પાડીને મને વાર્યો, પણ મેં માન્યું નહીં; હું જઈને ઊભો રહ્યો. પણ અરે આ શું? ઇબ્રાહીમકાકા એના આખા કુટુંબ સાથે સામાપક્ષમાં હતાં! હું એમની પાસે દોડી ગયો અને આશ્ર્વર્યથી પૂછ્યું ; ‘ઇબ્રાહીમકાકા! તમે ક્યા પક્ષમાં છો – અમારા કે એમના?’ તરત જ ઇબ્રાહીમકાકાએ પોતાના દીકરા પાસેથી એક ડાંગ માગી લીઘી અને મારી પાછળ ચાલ્યા. દીકરાઓને કહ્યું; ‘અનો બાપ મરી ગયો છે, એટલે મારે એના પક્ષમાં રહીને લડવું જોઇએ. તમે બીજી બાજુએ રહેજો.’

ઇબ્રાહીમકાકાને આ રીતે જતાં જોઇને સૌ છક થઈ ગયા. થોડીવાર શાંતિ ફેલાઈ ગઈ;દરેક જણ સ્તબ્ઘ થઈને ઊભું રહ્યું. સૌ શરમાઈ ગયા ને એક પણ શબ્દ બોલ્યા વગર ઘર ભણી ચાલવા લાગ્યા. અમે પણ ઇબ્રાહીમકાકાની પાછળ ઘેર આવ્યા.

આ ચમત્કારનો અર્થ ને તેનો મહિમા એ વખતે હું કળી શક્યો ન હતો, પણ હવે હું કળી શકું છું. ભલા ઇબ્રાહીમકાકા હવે આ ભૂમી પર નથી.પણ હું તેમને કદી પણ ભૂલી શકવાનો નથી. તેમની કબરને હું ઓળખું છું અને તેની સામે જોઈને મેં કેટલીયે વાર આસું લૂછ્યાં છે. કબ્રસ્તાન આગળ થઈને જાઉં છું તે વખતે કેટલીયે વાર નાનપણમાં કહેલા એ શબ્દો મારા મોંમાંથી સરી પડે છે; ‘ઇબ્રાહીમકાકા, ઊંઘો છો કે જાગો છો?’ એ ઊંઘી ગયા છે એમ હું માનતો જ નથી; એ તો જાગતા જ સૂતેલા છે.