પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હાસ્ય એ બાળકની મોટામાં મોટી મોજ છે.

હાસ્ય ગૃહને અને હૃદયને બન્નેને અજવાળે છે.

ઊંઘતા બાળકનું હાસ્ય પરીઓની પાંખોના તેજના ચળકાટ જેવું છે.

બે હોઠ આમ ઊઘડે એટલે વિશ્વને ભરી દે તેટલું બાળકનું મીઠું હાસ્ય !

ઘોર અંધારી રાતે પણ બાળકના હાસ્યમાં માતાનો બધો ભય ભરાઈ જાય.

બાળકના હાસ્યમાં અમૃત તો નહિ હોય ?

માતા તો એનાથી જ ધરાયેલી રહેતી હશે.

બાળક અરધી રાતે ઊઠે અને ઘરનાં બધાં અરધી રાતે ઊઠે. બાળક રમે ને સૌ રમે. બાળક હસે તો સૌ હસે જ. ઘરડાંઓ પણ બાળક સાથે હસવાનો લાગ લઈ લે.

મોટાં બાળકો નાનાં બાળકો સાથે હસીને બાળપણ સંભારે; જુવાનો બાળકના હાસ્યમાં< નાહીને પ્રેમજીવનની તૈયારી કરે; માતા પિતા તો બાળકના હાસ્યમાં નવો અવતાર જ કરી લે.

બાળક દેવલોકમાંથી ભૂલો પડેલો મુસાફર છે.

એ તો ગૃહસ્થોનો મોંઘો મહેમાન છે. એની શુશ્રૂષા ન આવડે તો ગૃહસ્થાશ્રમ ઊંધો જ વળે.

લક્ષ્મી તો બાળકના કંકુ જેવા રાતા પગલે ચોંટેલી છે.

પ્રેમ તો એના પ્રફુલ્લ વદને છે.