પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



આપણાં બાળકોની ખાતર

ગિજુભાઈ બધેકા

આપણે આપણાં બાળકોની ખાતર શું કરીશું ?

આ વળી એક નવો પ્રશ્ન. બાળક માટે આપણે શું નથી કરતાં કે વળી આવો પ્રશ્ન પુછાય છે ?

આપણે તેને ખવરાવીએ પિવરાવીએ છીએ. આપણે તેને રમાડીએ જમાડીએ છીએ. આપણે તેને પહેરાવીએ ઓઢાડિએ છીએ. આપણે તેને નિશાળે મોકલી ભણાવીએ છીએ. છતાં શા માટે આવો પ્રશ્ન પૂછવાનું બને છે ?

પણ આ પ્રશ્નને જરા ગંભીરતાથી વિચારીએ.

આપણે તેની ખાતર આટલું તો કરવું જ જોઈએ. તેને કઢંગાં કપડાં ને બેડોળ ઘરેણાંથી ન શણગારીએ; તેને સ્વચ્છ તો રાખીએ જ.

તેને ખરાબ પુસ્તકો અને ખરાબ સહવાસમાંથી બચાવીએ. તેને પ્રાણઘાતક શાળામાંથી ઉઠાડી જ લઈએ. આપણે તેને કદી પણ શિક્ષા ન જ કરીએ.

શું બાળકો ખાતર આપણે આટલું પણ નહિ કરીએ ?

ક્લબમાં જવાનું છોડી દઈને એને બાગમાં ફરવા નહિ લઈ જઈએ ?

મિત્રોને મળવાહળવાનું માંડી વાળી બાળકને સંગ્રહાલયો અને બજાર જોવા નહિ લઈ જઈએ ?