પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છાપું વાંચવાનું મોકૂફ રાખી તેમની કાલીઘેલી વાતો નહિ સાંભળીએ ?

એક ઘડીક વાર પણ ધંધાના વિચારો અને અભ્યાસનાં પોથાંને કોરે મૂકી એને મીઠી મીઠી વાતો કહીને નહિ ઊંઘાડીએ ?

શું એમની ખાતર આપણા પોકળ તરંગો અને આરામપ્રિયતાને જરા રજા આપી એમને નાનાં નાનાં ગીતો નહિ સંભળાવીએ ?

બાળકો આપણને વહાલાં હોય તો આટલું આપણાથી ન જ થાય.

આપણાથી એને ટોકાય નહિ. આપણાથી એનું અપમાન થાય નહિ. આપણાથી ભોજન સમયે તો એના પર ગુસ્સે થવાય જ નહિ. સૂતી વખતે આપણાથી કોઈ કારણસર એને ન જ રડાવાય.

જમતી વખતે બાળકના આનંદનો વિચાર કરીએ. સૂતી વખતે બાળકનાં સુખી સ્વપ્નોના ખ્યાલ કરીએ. ખાવા દ્યોને બાળકને જે શીજે તે - એને જે રુચે તે ! રમવા દ્યોને બાળકને જ્યાં સુધી રમે ત્યાં સુધી ! આ ખા, પેલું ખા, એમ કહેવામાં શું હાંસલ છે ? ટાપલી મારીને સુવારી દેવામાં કાંઈ કમાણી છે ખરી ? તમે વિલાસ માટે પાપી જાગરણ કરો છો તેની કિંમત કે બાળકના નિર્દોષ આનંદ માટે પવિત્ર જાગરણ કરો તેની કિંમત ?

બાળાગોળી આપીને એને શું કામ સુવરાવો છો ? તમારા આનંદમાં આડે આવે છે તે માટે ?

આરામ અને વિલાસ માણવા હતા તો બાળક મેળવવા તમને કોણે કહ્યું હતું ? કે બાળક એ તો એક અકસ્માત જ છે ?