પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કેટલાંયે માબાપોને બાળક રાત્રે રમવા ઊઠે એ નથી ગમતું.

કેમ ? જાણે ભારે ઉજાગરો થતો હોય ! નાટક, સિનેમા, સોગઠાંબાજી, શેતરંજ કે ગંજીપાનાં પાનાંમાં થતા ઉજાગરાનો હિસાબ કોને પૂછવો ?

પણ ક્યાં છે કોઈને ખબર કે બાળક તો અનંતમાં રાચે છે ?

રાત્રિ અને દિવસ, સવાર બપોર કે સાંજ, એના આનંદ માટે સરખાં જ છે !

આપણે બાળક મટી ગયાં તે દિવસથી આપણામાં રાત્રિનું ઘોર અંધારું આવી ગયું.

બાળકને તો ઘોર અંધારી રાત્રે પણ અજવાળાં ઊગે; જ્યારે અજ્ઞાન પાપી હૃદયમાં દિવસના અજવાળે પણ ઘોર અંધારાં હોય !

નિર્દોષ હૃદય જ અંધારામાં પ્રકાશ ભાળે.

બાળકો ખાતર આટલાં વાનાં આપણે હરગિજ ન કરીએ.

આપણે પાડોશી સાથે વઢીએ નહિ. હલકા પાડોશથી દૂર નાસીએ. આપણા હલકા મિત્રોનો ત્યાગ કરીએ. દુષ્ટ ભાઈબહેનો કે અન્ય સંબંધીઓને સલામ કરીએ.

ઘરમાંથી દુર્ગુણો દૂર કરવા માટે જંગ માંડતાં જરાય ન ડરીએ.

પોતાના દોષો કાઢવા હઠયોગ આદરીએ; અને કદાચ બાળકને નુકસાન થતું હોય તો તેની માતાના ત્યાગને પણ આપણે અધર્મ્ય ન ગણીએ. બાળકને માટે ઘરમાં સ્વર્ગ રચવા કઠણમાં કઠણ આત્મભોગ આપતાંયે ન અચકાઈએ !