પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાળક આપણને પ્રિય હોય તો તેને બગાડીએ તો નહિઓ જ. ચાકર રાખી તેને ન બગાડીએ; વિલાયતી રમકડાંની મોહિનીથી તેને ન બગાડીએ; પહેલેથી જ હિંસાનો પાઠ ભણાવી તેને પશુ ન બનાવીએ.

શું આપણે આપણાં બાળકોને મુક્ત નથી કરવાં ? - માન્યતાઓની બેઠીમાંથી; આપણા એકમાર્ગી આદર્શોમાંથી; આપણને જ ગમતી કેળવણીની હેડમાંથી; આપણે ખુશીથી ગળામાં ઓળવેલી રૂઢિની જંજીરમાંથી; શિષ્ટાચારની જડતામાંથી; પારતંત્ર્યની પરાધીનતામાંથી.

સમાજની જોહુકમીભરી ગુલામીમાંથી આપણે એક વાર ગુલામ મટીએ ને બાળકને ગુલામીમાંથી મુક્ત કરીએ. જાણો છો ને કે ગુલામનું બાળક તો ગુલામ જ હોય ?

ત્યારે આપણે બાળકો ખાતર શું કરીએ ?

આજનું બાળક તે આવતી કાલની ગૃહિણી; આજનું બાળક તે આવતી કાલનો શહેરી.

એને માટે આપણે શું કરીએ ?

આજે જે આપણી પાસેથી શીખશે તે જ આવતી કાલે તે આચરશે.

આજે જે આપણે નહિ કરીએ તે ભવિષ્યમાં એનાથી કદીય નહિ બનવાનું.

આજે જે આપણે તજી દેશું તેને ત્યાગતાં તે જરૂર શીખશે.

ત્યારે આપણે બાળક માટે શું કરશું ?