પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દિલોજાનીભર્યા સહકાર વગર બ્રિટિશરો હિન્દનો કશોય બચાવ કરી શકે એમ નથી એ હવે સ્પષ્ટ થઈ ગયું છે. બ્રિટન તો બરમાનો બચાવ કરવા પણ મેદાનમાં ક્યાં નહોતું પડ્યું? પણ બરમા તો ચાલ્યું ગયું. તેવી જ રીતે હિન્દ પણ જાપાનીઓના હાથમાં ચાલ્યું ન જાય તે માટે જ આપણી આ લડત છે. બચાવ ને રક્ષણની વાતો દરેક વખતે એમણે ક્યાં નથી કરી? મલાયામાં માર ખાતા હતા ત્યારે કહેતા હતા કે આવવા દો સિંગાપુર આગળ! ત્યાં અમે બતાવી આપીશું. સિંગાપુરનો કિલ્લો તો અભેદ્ય હતો. એની પાછળ કરોડો પાઉન્ડનો ધુમાડો કરવામાં આવ્યો હતો. એમેરી સાહેબ વખતોવખત કહેતા હતા કે એનો બચાવ તો થશે જ થશે. એ ગઢનાં વખાણથી દુનિયાના કાન થકવવામાં આવેલા. પણ બન્યું એવું કે દુનિયાના કોઈ પણ કિલ્લા કરતાં જલદી એ જ સિંગાપુરનો અજબ, અલૌકિક, અભેદ્ય કિલ્લો ગંજીપાના ગઢની જેમ ગબડી પડ્યો!