પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આપણે આઝાદીની આખરી લડત ઉપાડવાના છીએ તે સામે કોઈ ટીકાકારો ધાકધમકી બતાવે છે અને કહે છે કે તમે લડત ઉપાડશો તો તમારા પર મુસીબતો આવી પડશે. કોઈ શિખામણ આપીને શાણપણ બતાવે છે કે એથી તો મિત્રરાજ્યોના યુદ્ધપ્રયાસોને હાનિ પહોંચશે. આ બધી ધાકધમકીઓના ને સલાહશિખામણોના જવાબો અમારી પાસે છે પણ અમે તેમને કેવી રીતે જવાબ આપીએ? તે દેશોમાં અમારાં અખબારો નથી, રેડિયો પર અમારી સત્તા નથી. સરકારે તો સેન્સરના ચોકીપહેરા મૂકી દીધા છે. તે જેટલી વાત અહીંથી બહાર જવા દેશે તેટલી જ બહાર જશે. અમારા દિલની સાચી વાત તો બીજા દેશમાં જવા નહિ પામે.

સરકારનો પ્રચાર પરદેશમાં એવો છે કે કૉંગ્રેસ સાથે છે કોણ? એ તો મુઠ્ઠીભર માણસોની બનેલી છે, જે રોજ ઊઠીને આ બધી ધાંધલ આ કરે છે. નવ કરોડ મુસ્લિમો કૉંગ્રેસ સાથે નથી, સાત કરોડ હરિજનો નથી, અને સાત કરોડ રાજસ્થાનીઓ પણ કૉંગ્રેસ સાથે નથી. ડાહ્યાડમરા ગણાતા વિનીતો નથી. રૅડિકલો, ડેમોક્રેટો ને કૉમ્યુનિસ્ટો પણ નથી. હું કહું છું કે અમારી સાથે કોઈ જ નથી પણ પોતાને શરીફ કહેવડાવતા અંગ્રેજો તો છેને? અમારે તેમનું જ કામ છે.

જો મહાસભાને દેશનો સાથ જ નથી તો તમને એની આટલી ભડક પણ શા માટે લાગે છે? જળમાં, સ્થળમાં, વસ્તીમાં, વેરાનમાં બધે એને જ કેમ જુઓ છો? હું તો કહું છું કે આ લડાઈમાં ચાલીસ કરોડ હિન્દી જનતાનો સાથ તેમને નહિ હોય તોપણ વિજય તેમને જ મળશે એમ બ્રિટન અને અમેરિકન પ્રજા સમજતી હોય તો તે બેવકૂફ છે. વિજય તો ત્યારે જ મળે જ્યારે તમામ પ્રજાના દિલમાં વસી જાય કે આ તેમનું યુદ્ધ છે. પોતાના વતન અને આઝાદી માટે ખપી જવાની તમન્ના લોકોના દિલમાં જાગ્રત થઈ નથી ત્યાં સુધી અખબારો ને રેડિયો પર ભલે જોઈએ તેટલો પ્રચાર ચલાવો, બધો પ્રચાર નિરર્થક છે.

આપણે તો ત્રણ ત્રણ વર્ષ બેસી રહ્યા. ગાંધીજીએ કૉંગ્રેસને કહ્યું કે બ્રિટન મુસીબતમાં આવી પડ્યું છે તેને કનડગત કોણ પહોંચાડે? તેમના યુદ્ધપ્રયાસોમાં કશી પણ નડતર ઊભી ન થાય તે માટે ગાંધીજીએ જીવ તોડી તોડીને કાળજી રાખ્યાં કરી, પરન્તુ હવે એમની પણ ધીરજ ખૂટી ગઈ છે. યુદ્ધ હિન્દનાં બારણાં ખખડાવી રહ્યું છે. હિન્દનું રક્ષણ કરવાનો દાવો બ્રિટિશરો કરે છે, પરન્તુ બ્રહ્મદેશને પણ તેઓ આવું જ કહેતા હતા એ આપણે ક્યાં નથી જાણતા? ગમે તેટલો દાવો કરે પણ આખી હિંદી પ્રજાના