પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



અંગ્રેજ, ચલે જાઓ!

[તા. ૭-૮-૧૯૪૨ ને રોજ મુંબઈ ખાતે ભરાયેલી અખિલ હિન્દ મહાસભા સમિતિની બેઠકમાં 'અંગ્રેજ ચલે જાઓ'વાળા ઠરાવ ઉપર આપેલું ભાષણ]

સરદાર વલ્લભભાઈ પટેલ

મહાત્માજી, રાષ્ટ્રપતિ અને જવાહરલાલજી બોલી ગયા પછી મારે બહુ જ થોડું કહેવાનું છે. આજે ત્રણ ત્રણ અઠવાડિયાંથી વર્ધાનો ઠરાવ દેશ સામે પડ્યો છે, દુનિયા સામે પણ પડ્યો છે, જગતભરમાં એની ચર્ચા થઈ છે. તે પર ટીકાઓ પણ પુષ્કળ થઈ છે. એ ચર્ચા ઉપર પણ આ વખતની વર્કિંગ કમિટીએ પૂરો વિચાર ચલાવ્યો છે અને તે પછી જ આજનો આ ઠરાવ તમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.

સોળમી જુલાઈના વર્ધા-ઠરાવને દુનિયાના બીજા દેશોમાં જેટલી પ્રસિદ્ધિ મળી છે, તેનો સરકાર અને સરકારના આડતિયા-મળતિયાઓ તરફથી જેટલો પ્રચાર કરવામાં આવ્યો છે તેટલો પ્રચાર આપણાથી ગમે તેટલા પૈસા ખર્ચતાં પણ ન થાત. હજી તો આપણે ઠરાવ જ કર્યો છે, કોઈ પણ પગલું હજી કૉંગ્રેસે ભર્યું નથી. એટલે આપણે પગલું ભરીશું ત્યારે આનાં કરતાં કેટલી વધુ જાહેરાત આપણને મળશે તે તમે ગણી લેજો. અગાઉના વખતમાં પૈસા ખરચતાં ન મળતી એવી પ્રસિદ્ધિ કૉંગ્રેસને હવે અનાયાસે મળે છે. કામ અને કુરબાનીનો એવો મહિમા છે.

છેલ્લા થોડા દિવસ થયાં હિન્દ સાથે અસંખ્ય લોકોને એકાએક મહોબત થઈ આવી છે. જેમને હિન્દ સાથે કશુંય સ્નાનસૂતક નથી, કશી લેવાદેવા નથી, તેવા પણ જાણે ઉમરભરની મહોબત હોય તેમ હિન્દી સવાલમાં એકાએક રસ લેવા લાગ્યા છે.