પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



હે જગત, મારા પુત્રને

અબ્રાહમ લિંકન

હે જગત, મારા પુત્રને આંગળી ઝાલીને દોરજે;

આજે એણે શાળાએ જવાનો આરંભ કર્યો છે.

અત્યાર સુધી એ પોતાનો રાજા હતો, આજુબાજુનાં આંગણાંનો સરદાર હતો; વળી એની ઈચ્છાઓ સંતોષવા હું હાથવગો હતો.

પણ….હવે બધું બદલાઈ જશે. આજે સવારે એ ઘરનાં પગથિયાં ઊતરશે, હાથ હલાવશે અને મહાન સાહસનો આરંભ કરશે. એ સાહસમાં કદાચ યુધ્ધો, કરુણ ઘટનાઓ અને વેદનાઓનો પણ સમાવેશ હશે.

આ જગતમાં વસવા માટે શ્રધ્ધા, પ્રેમ અને હિંમત જોઇએ. એથી હે જગત, તું તેની કુમળી આંગળી પકડીને દોરજે અને જાણવા જેવું બધું જ શીખવજે. બની શકે તો આ બધા પાઠ મૃદુતાથી શીખવજે.

એણે બધું શીખવું તો પડશે. હું જાણે છું કે દુનિયામાં બઘા જ માણસો ન્યાયી નથી હોતા કે સાચા નથી હોતા. પણ એને શીખવજે કે એક બાજુ દુષ્ટ લોકો છે, તો બીજી બાજુ સંત લોકો પણ છે. પ્રપંચી રાજકારણીઓ છે, તો સેવાભાવી સજ્જ્નો પણ છે, જે જગતની સમતુલા જાળવી રાખે છે; અને દુશ્મનો પણ મિત્રો બને છે ખરા, ભલે તેમાં વાર લાગે.

એને એ પણ શીખવજે કે મહેનતથી કમાયેલો એક ડોલર મફત મળેલા પાંચ ડોલર કરતાં વધારે મૂલ્યવાન છે. હાર જીરવવાનું એને શીખવજે, પણ જીતવામાં કેવી મજા છે તે પણ એને શીખવજે. અદેખાઈથી એને અળગો રાખજે, સ્મિતનું મૂલ્ય એને સમજાવજે.