પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પુસ્તકોની અદભૂત દુનિયાનાં એને દર્શન કરાવજે. આકાશમાં ઊડતાં પંખીઓ, સૂર્યના પ્રકાશમાં ગુંજરાવ કરતી મધમાખીઓ, લીલા ડુંગરા પર ખીલેલાં પુષ્પોનું સનાતન રહસ્ય શોઘવા એને થોડોક નિરાંતનો સમય આપજે.

એને શીખવજે કે ચોરી કરીને પાસ થવા કરતાં નાપાસ થવામાં વઘારે પ્રતિષ્ઠા છે.

ભલે બીજા બઘા એને ખોટો કહે તોપણ એને પોતાના વિચારો પર વિશ્વાસ રાખવાનું શીખવજે. સજ્જ્ન સાથે સજ્જ્ન અને દુર્જન સામે અણમન રહેતાં શીખવજે. સૌનું ભલે એ સાંભળે, પણ જે સાંભળ્યું હોય તે સ્વીકારતાં એને આવડવું જોઈએ.

બીજાઓ જ્યારે પવન પ્રમાણે પીઠ બદલે ત્યારે ટોળાંને અનુસરવાને બદલે એ એકલો પોતાને માર્ગે જઈ શકે એ માટે એને બળ આપજે.

દુખ હોય ત્યારે એને હસવાનું શીખવજે, પણ રડવામાં શરમાવાપણું નથી તે પણ એને કહેજે. મીઠાશથી સાંભળવાનું ને કડવાશથી ન અકળાવાનું એને શીખવજે. આત્મા અને હદયનાં દ્વાર એ બંઘ ન કરે તે જોજે. ટોળાંની બૂમોથી એ નમી ન પડે અને જે સાચું છે તેને માટે જીવસટોસટની લડાઈ આપતાં એ અચકાય નહીં એમ એને શીખવજે.

હે જગત, આ બઘું એને મૃદુતાથી શીખવજે, પણ એને ખોટાં લાડ લડાવીશ નહીં. સુવર્ણ તો અગ્નિમાં તપીને જ શુઘ્ઘ બને છે.

મારી લાગણી કદાચ તને વઘુ પડતી લાગે, મારી માગણી મોટી લાગે તો પણ, હે જગત, તારાથી જે કાંઈ બની શકે એ બઘું કરજે, કારણકે એ મારો નાનકડો બહુ મજાનો દીકરો છે.