પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



આનંદી કાગડો

ગિજુભાઈ બધેકા

એક કાગડો હતો.તે એકવાર રાજાના વાંકમાં આવી ગયો, એટલે રાજાએ તેના માણસોને કહ્યું : ‘જાઓ આ કાગડાને ગામના કૂવાને કાંઠે ગારો છે તેમાં નાખી ખૂંતાડીને મારી નાખો.’

કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં ખૂંત્યા અને આનંદથી બોલવા લાગ્યા :

‘ગારામાં લપસણું કરતાં શીખીએ છીએ, ભાઈ!
ગારામાં લપસણું કરતાં શીખીએ છીએ.’

રાજા અને તેના માણસો તો નવાઈ પામ્યાં કે આ કાગડો ખૂંતવાથી દુઃખી થવાને બદલે આનંદથી કેમ બોલે છે ? રાજાને ક્રોધ ચડ્યો અને બીજો હુકમ કર્યો : ‘નાખો એને કૂવામાં, એટલે ડૂબીને મરી જાય.’ કાગડાને કૂવામાં નાખ્યો.

કાગડાભાઈ તો કૂવામાં પડ્યા બોલ્યા :

‘કૂવામાં તરતાં શીખીએ, ભાઈ
કૂવામાં તરતાં શીખીએ છીએ.’

રાજા કહે : ‘હવે તો કાગડાને આથી વધારે સખત શિક્ષા કરવી જોઈએ.’

પછી તો કાગડાને કાંટાના એક મોટા જાળામાં નખાવ્યો.