પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આ પુસ્તકની પ્રસ્તાવના

આ પુસ્તકમાં જે ગાળાનાં લખાણો વગેરે સમાવવામાં આવ્યાં છે તે ગાંધીજીના જીવનનો તદ્દન પ્રારંભનો સમય સંપાદકોની દૃષ્ટિથી કઠણમાં કઠણ છે. તે ગાળાના પાછલા અને પ્રમાણમાં વધારે પ્રવૃત્તિમય ભાગ દરમિયાન ગાંધીજી હિંદુસ્તાનની બહાર હતા અને તેથી તે સમયની તેમનાં લખાણો વગેરેની અસલ સામગ્રી તેઓ જયાં વિદ્યાર્થી તરીકે રહ્યા હતા ત્યાં ઇંગ્લંડમાંથી અને જ્યાં શરૂઆતમાં વકીલ તરીકે ગયેલા ત્યાં દક્ષિણ આફ્રિકામાંથી મેળવવાની હતી.

આપણે સારે નસીબે એ ગાળાને લગતી થોડી સામગ્રી ગાંધીજીએ સાચવી રાખી હતી અને તેઓ તે હિંદુસ્તાન લેતા આવ્યા હતા. પોતાના પત્રવહેવારની કાર્બન કાગળથી કાઢેલી કોઈ કોઈ નકલો, પત્રોના તેમ જ જાહેર ફરિયાદોના નિકાલ માટે કરેલી નિવેદનરૂપ અરજીઓના હાથના લખેલા મુસદ્દા, અરજીઓની•અને પોતે તૈયાર કરેલાં ચોપાનિયાંઓની છાપેલી નકલો, દક્ષિણ આફ્રિકાનાં છાપાંઓમાંથી કાઢેલી કાપલીઓ અને પોતાના થોડા પત્રો, થોડી અરજીઓ અને થોડાં નિવેદનો જેમાં પ્રસિદ્ધ થયેલાં તેવાં થોડાં દક્ષિણ આફ્રિકાની સરકારનાં પ્રકાશનો એવું બધું તે સામગ્રીમાં છે.

ગાંધીજીએ જોકે પોતાનાં બધાં લખાણો સંઘરી રાખ્યાં નહોતાં. હિંદુ ધર્મનાં મૂળતત્વો પર પોતે તૈયાર કરેલા લખાણનો ઉલ્લેખ કરી दक्षिण आफ्रिकाना सत्याग्रहनो इतिहास (૧૯૫૬, પા. ૨૫૫)માં તેમણે લખ્યું છે, "આવી વસ્તુઓ તો ઘણીયે મેં મારી જિદગીમાં નાખી દીધી છે કે બાળી નાખી છે. એ વસ્તુઓને સંઘરી રાખવાની આવશ્યકતા મને જેમ જેમ ઓછી જણાતી ગઈ અને જેમ જેમ મારો વ્યવસાય વધતો ગયો તેમ તેમ મેં આવી વસ્તુઓનો નાશ કર્યો. મને તેનો પશ્ચાત્તા૫ નથી. એ વસ્તુઓનો સંગ્રહ મને બહુ બોજારૂપ અને ખરચાળ થઈ પડત. તેને સાચવવાનાં સાધન મારે ઉત્પન્ન કરવાં પડત, એ મારા અપરિગ્રહી આત્માને અસહ્ય થાત."

લંડનમાં અને દક્ષિણ આફ્રિકામાં મળી શકે એવાં સરકારી તેમ જ અન્ય દફતરોમાંથી મદદનીશ સંશોધકો અમારે માટે સામગ્રી એકઠી કરે છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હિંદુસ્તાન જે સામગ્રી લેતા આવ્યા હતા તેમાં એથી ઉમેરો થયો છે.

દક્ષિણ આફ્રિકાની સામગ્રીમાં હિંદી કોમની વતી ગાંધીજીએ ત્યાંની સરકાર આગળ રજૂ કરેલી ઘણી અરજો અને અરજનાં નિવેદનો છે. તેમના પર તેમની નહીં પણ કોમનું પ્રતિનિધિત્વ ધરાવનારા આગેવાનો અથવા નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ કે ટ્રાન્સવાલ બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિયેશન જેવી સંસ્થાના હોદ્દદ્દારો સહી છે. ૧૮૯૫ના સપ્ટેમ્બરની ૨૫મી તારીખના તેમના પત્ર (જે આ પુસ્તકમાં પા. ૧૯૦ પર પ્રસિદ્ધ કર્યો છે તે)માંના તેમના પોતાના વિધાન પરથી સ્પષ્ટ દેખાય છે કે એ અરજો તેમણે ઘડી હતી. તે પત્રમાં તેમણે લખ્યું છે," . . . અનેક અરજીઓના ખરડા ઘડવાની જવાબદારી સંપૂર્ણ રીતે મારે શિર છે." ૧૮૯૪ની સાલના જુલાઈ માસમાં લૉર્ડ રિપનને મોકલવામાં આવેલી અરજીના દાખલા પરથી આ વાતની સાબિતી મળે છે. તેના પર તેમની સહી નથી, બીજા લોકોની છે; પણ તેને વિષે आत्मकथा (૧૯૫૨ની આવૃત્તિ, પા. ૧૪૨)માં તેઓ લખે છે, "અરજીની પાછળ મેં બહુ મહેનત લીધી. હાથ આવ્યું તે બધું સાહિત્ય મેં વાંચી લીધું."