પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સાથે છે, અને આપણા જેટલી જ સાદી સમજની બક્ષિસ હિંદના લોકોને પણ મળેલી છે; અને વળી આપણને કોઈ પણ પ્રકારનું ભણતર મળતું થયું તેની પહેલાં સેંકડો વરસ આગળથી આપણે ચૂંટણીનો અધિકાર ભોગવતા અને પ્રતિનિધિઓની બનેલી સંસ્થાઓ મારફતે જાહેર વહીવટ કરતા આવ્યા છીએ. તેથી ભણતરની કસોટીની વાતનો કશો અર્થ નથી. આપણા દેશનો ઈતિહાસ જાણનારાને બરાબર માહિતી છે કે બસો વરસ પહેલાં અાપણે ત્યાં હડહડતાં વહેમ અને અજ્ઞાન ફેલાયેલાં હતાં અને છતાં આપણી પાસે આપણી પ્રતિનિધિઓની બનેલી સંસ્થાઓ હતી.

૨૦. હિંદના લોકોના સામાન્ય ચારિત્ર્ય વિષે લખતાં સર જ્યૉર્જ બર્ડવુડ નીચે પ્રમાણે સમારોપ કરે છે :

હિંદના લોકો અસલ અર્થમાં કોઈ પણ રીતે આપણાથી ઊતરતા નથી, જયારે કેટલાંક ખોટાં ધોરણોથી, આપણા પૂરતાં ખોટાં ધોરણોથી, મપાતી જે વાતો માનવાનો આપણે દેખાવ માત્ર કરીએ છીએ તેમની બાબતોમાં તેઓ આપણાથી ચડિયાતા છે.

૨૧. મદ્રાસ ઇલાકાના ગવર્નરોમાંનો એક સર ટૉમસ મનરો કહે છે:

હિંદુસ્તાનના લોકોને સુધારવાની વાતો કરનારા લોકો શું કહેવા માગે છે તે હું સમજી શકતો નથી. સારા રાજવહીવટના સિદ્ધાંત અને તેમનો વહેવારમાં અમલ કરવાની બાબતમાં તે લોકો ઓછા ઊતરે એમ બને; પણ ખેતીવાડીની સારી પદ્ધતિ, બેનમૂન માલ પેદા કરવો, વાંચવાનું ને લખવાનું શીખવવાને નિશાળોની સ્થાપના, અજાણ્યા તરફ માયાળુપણાની, અને તેની મહેમાનગીરી કરવાની સામાન્ય વૃત્તિ, એ બધાં સુધરેલા લોકોને બતાવનારાં લક્ષણોમાંનાં થોડાં ગણીએ તો તેઓ યુરોપના લોકો કરતાં સંસ્કાર અને સુધારામાં ઊતરતા નથી.

૨૨. જેને ઘણી ગાળો પડે છે અને જેને વિષે તેથીયે વધારે ગેરસમજ ફેલાયેલી છે તે હિંદીને વિષે પ્રોફેસર મૅકસમૂલરે નીચે મુજબનાં વચનો કહ્યાં છે:

મને પૂછવામાં આવે કે માણસના મને કયા આકાશ નીચે પોતાની ઉત્તમમાં ઉત્તમ બક્ષિસોને સંપૂર્ણપણે કેળવી છે, જીવનના મોટામાં મોટા સવાલો પર ઊંડામાં ઊંડું ચિતન કર્યું છે અને પ્લેટો ને કૅન્ટ જેવા ફિલસૂફોના તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરનારાઓએ પણ ધ્યાનમાં લેવા જેવા તે સવાલો પૈકીના કેટલાકના ઉકેલ શોધી આપ્યા છે – તો હું હિંદુસ્તાન તરફ નિર્દેશ કરું.

૨૩. સંસ્કારી ભાવનાઓને અપીલ કરીને તમારા અરજદારો અદબથી બતાવવાની હિંમત કરે છે કે ફ્રેંચાઈઝ લૉ ઍમેન્ડમેન્ટ બિલ [મતાધિકારના કાનૂનમાં સુધારો કરનારો ખરડો] જો મંજૂર રાખવામાં આવશે તો તેનું વલણ બ્રિટિશ તેમ જ હિંદી રાષ્ટ્રનાં ઉત્તમોત્તમ તત્ત્વો જે એકતા અંતરથી ઝંખે છે તેની પ્રક્રિયાને વેગવાન બનાવવાને બદલે ધીમી પાડી નાખવાનું રહેશે. .

૨૪. તમારા અરજદારોએ પોતાની વતી જાણીબૂજીને અંગ્રેજોનાં પ્રમાણભૂત ગણાય એવાં વચનો ટાંકયાં છે અને તે ઉતારાઓનો વિસ્તાર કરવાને તેમનું વધારે વિવરણ કર્યું નથી. હજી વધારે અનેકગણા આવા ઉતારા ટાંકવાનું બની શકે એવું છે પણ તમારા અરજદારોને ભારોભાર વિશ્વાસ છે કે તેમની અરજીના ન્યાયીપણાની પ્રતીતિ તમારી માનનીય ઍસેમ્બલીને કરાવવાને ઉપરના ઉતારા પૂરતા છે અને તેઓ તમારી માનનીય સભાને એ નિર્ણયને ફરી વિચાર કરવાને,