પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પપ. મિ. ચેમ્બરલેનને અરજી
[ડરબન,


ઑગસ્ટ ૧૧, ૧૮૯૫]


ધિ રાઈટ ઑનરેબલ જોસફ ચેમ્બરલેન, નામદાર સમ્રાજ્ઞીના સંસ્થાનો માટેના મુખ્ય મંત્રી, લંડન

નાતાલ સંસ્થાનમાં વસતા નીચે સહી કરનારા હિંદીઓની અરજી

નમ્રતાપૂર્વક દર્શાવે છે કે :

નાતાલની નામદાર લૅજિસ્લેટિવ ઍસેમ્બલી તથા લેજિસ્લેટિવ કાઉન્સિલે પસાર કરેલા ઈન્ડિયન ઈમિગ્રેશન લૉ એમેન્ડમેન્ટ બિલ સંબંધમાં નાતાલ સંસ્થાનમાં વસતી હિંદી કોમનું પ્રતિનિધિત્વ ધરાવતા તમારા અરજદારો, જેટલે અંશે એ બિલો ગિરમીટની પ્રથાની હાલની પરિસ્થિતિને અસર કરે છે તથા આ કાનૂન નીચે આવતા અને આ સંસ્થાનમાં સ્વતંત્ર હિંદીઓ તરીકે રહેવા ઇચ્છતા ગિરમીટની શરત નીચેના હિંદીઓએ દર વર્ષે ૩ પાઉન્ડ ભરીને કઢાવવાના ખાસ પરવાનાની જરૂરિયાત ઊભી કરે છે તેટલે અંશે, માનપૂર્વક તમારી સેવામાં હાજર થવાની ધૃષ્ટતા કરે છે.

૨. તમારા અરજદારોએ ઉપરની બાબત સાથે સંબંધ ધરાવતી કલમો કાઢી નાખવામાં આવે એ હેતુથી બંને નામદાર ધારાગૃહોને માનપૂર્વકની અરજીઓ રજૂ કરી, પરંતુ તમારા અરજદારોને કહેતાં દિલગીરી થાય છે કે એમાં એમને સફળતા મળી નથી, એ અરજીઓની [૧] નકલો આ સાથે જોડવામાં આવી છે અને તેના પર અનુક્રમે क અને ख નિશાન મૂકયાં છે.

૩. આ બાબત સાથે સંબંધ ધરાવતી કલમો નીચે મુજબ છે:

કલમ ૨. આ કાયદો અમલમાં આવે તે તારીખથી અને ત્યાર પછી ૧૮૯૧ના ઈન્ડિયન ઈમિગ્રેશન લૉના વિભાગ ૧૧માં દર્શાવેલાં પરિશિષ્ટ ख અને गમાં જેની જોગવાઈ કરવામાં આવી છે એવા હિંદી વસાહતીઓએ સહી કરવાના ગિરમીટના કરારોમાં હિંદી વસાહતીઓએ કરવાની નીચેના શબ્દોવાળી પ્રતિક્ષાનો સમાવેશ થશે:
ઉપરાંત અમે એ પણ મંજૂર રાખીએ છીએ કે મુદત પૂરી થતાં અથવા બીજી મુદત

નક્કી થતાં અમે કાં તો હિંદ પાછા ફરીશું અથવા વખતોવખત કરવાના કરારો મુજબ નાતાલમાં રહીશું; તે એવી શરતે કે દરેક ગિરમીટ નીચેની નોકરીની અવધિ બે વર્ષ માટેની રહેશે; અને એ ઉપરાંત એવી શરતે કે આ કરારમાં જોગવાઈ કર્યા પછીની દરેક વર્ષની ગિરમીટની નોકરીની મજૂરીનો દર પહેલા વર્ષ માટે દર મહિને ૧૬ શિલિંગ, બીજા વર્ષ માટે દર મહિને ૧૭ શિલિંગ, ત્રીજા વર્ષ માટે દર મહિને ૧૮ શિલિંગ, ચોથા વર્ષ માટે દર મહિને ૧૯ શિલિંગ, અને પાંચમા અને તે પછી આવતા દરેક વર્ષ માટે દર મહિને ૨૦ શિલિંગ રહેશે.

  1. ૧. જુઓ પા, ૧૩૩-૫; અને પા. ૧૬૩-૪.