પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નોંધો

અધિકારપત્ર કાનૂન, ૧૮૩૩નો : પાર્લમેન્ટના એક તપાસ કમિશનના અભિપ્રાયને આધારે આ કાનૂનથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હિંદમાંના વેપારના હકો નાબૂદ કરવામાં આવ્યા અને એના કાર્યને એની માલકીના પ્રદેશો ઉપર રાજ્ય કરવા પૂરતું મર્યાદિત કરવામાં આવ્યું. ૧૮૫૩માં ફરી આ વાતનું સમર્થન કરી આ અધિકારપત્ર કાનૂનમાં એવી જોગવાઈ કરવામાં આવી કે કોઈ પણ હિંદના વતનીને ઈસ્ટ ઇન્ડિયા કંપની નીચે તેના ધર્મ, જન્મસ્થળ, કુળ અથવા ચામડીના રંગને કારણે કોઈ પણ સ્થાન, હોદ્દો અગર નોકરી મેળવતાં રોકવામાં નહીં આવશે.

અબદુલ્લા, દાદા : ડરબનની દાદા અબદુલ્લાની કંપનીના એક ભાગીદાર, આ એક હિંદી આગેવાન પેઢી છે જેના કાનૂની મામલા અંગે ગાંધીજી પ્રથમ દક્ષિણ આફ્રિકા ગયા.

આદમ, અબદુલ કરીમ હાજી : દાદા અબદુલ્લાની પેઢીના સંચાલક ભાગીદાર. ૧૮૯૩માં હિંદી મતાધિકાર વિધેયકનો વિરોધ કરવા માટે ડરબનમાં રચવામાં આવેલી હિંદીઓની પ્રથમ કમિટીના પ્રમુખ.

આયરિશ હોમ રૂલ બિલ : આ વિધેયક ૧૮૮૬માં ગ્લેડસ્ટને બ્રિટિશ પાર્લમેન્ટમાં રજૂ કર્યું, એ એક ઘણું જ નરમ વિધેયક હતું જેનાથી આયર્લેન્ડનો વહીવટ આયર્લૅન્ડની પાર્લમેન્ટ નીમેલી કારોબારીને સોંપવામાં આવ્યો હતો, પણ કર નાખવાની સત્તા મોટે ભાગે બ્રિટિશ સરકાર પાસે રખાઈ હતી. ઈંગ્લંડ અને અલ્સ્ટર બંનેમાં એનો બહુ ભારે વિરોધ થયો. અને બ્રિટિશ લોકસભામાં એને નામંજૂર કરવામાં આવ્યું. સન ૧૮૯૩માં ગ્લેડસ્ટન ફરીથી વડા પ્રધાન બન્યા. તેમણે હોમરૂલ બિલ રજૂ કર્યા જે લોકસભામાં પસાર થયું પણ રાજસભામાં મોટી બહુમતીથી તેને નામંજૂર કરવામાં આવ્યું.

ઇસ્માઈલ સુલેમાનનો કેસ : આ કેસમાં એક આરબ વેપારી ઇસ્માઈલ સુલેમાનને ૧૮૮૮ના ઑગસ્ટમાં લોકેશન સિવાય બીજી જગ્યાએ વેપાર ચલાવવાનો પરવાનો આપવાની ના પાડવામાં આવી. ઑરેન્જ ફ્રી સ્ટેટના મુખ્ય ન્યાયાધીશે લવાદના ચુકાદામાં દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાક રાજ્યનો એ પ્રકારનો અધિકાર મંજૂર રાખ્યો કે દેશની અદાલતો આ સંબંધેના કાનૂન (૧૮૮૫ના ત્રીજા)નો જે અર્થ કરે તેને આધીન રહીને તેનો અમલ તે કરી શકે. પરંતુ પાછળથી ટ્રાન્સવાલની સુપ્રિમ કોર્ટે આ ચુકાદાને ફેરવી નાખ્યો અને એવો નિર્ણય આપ્યો કે એ કાનૂન નીચે એશિયાઈઓને પરવાના નહીં આપવાનો સરકારને અધિકાર નથી.

ઈસ્ટ કોર્ટ : ડરબનથી આશરે ૧૫૦ માઈલ ઉપર આવેલું શહેર.

ઈસ્ટ લંડન : કેપ સંસ્થાનનું મહત્ત્વનું કાંઠાનું શહેર અને બંદર.

ઉમતાલી : દક્ષિણ રોડેશિયાનો જિલ્લો; એ જ નામનું શહેર; એક મોટી યુરોપિયન વસાહત.

ઉસ્માન દાદા : નાતાલના એક આગેવાન હિંદી વેપારી, નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસના સેક્રેટરી હતા અને હિંદીઓની સત્યાગ્રહની લડતમાં એમણે ભાગ લીધો હતો.

ઍન્સ્ટી, થૉમસ શિઝોમ (૧૮૧૬ થી ૧૮૭૩) : વકીલ અને રાજદ્વારી પુરષ; સંસદ સભાસદ ૧૮૪૭-૫૨.